છેતરપિંડીનો ‘હાઈક્લાસ’ નમૂનોઃ USના પ્રોફેસરની ઓળખ આપી ઘણાંને છેતર્યાં…

અમદાવાદઃ દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે..આ પ્રકારની વાત આ નકલી પ્રોફેસરે બરાબરની અમલમાં મૂકી હતી અને વર્ષો સુધી તે ભણેલાંગણેલાં લોકોને છેતરી પણ ગયો. જે કિસ્સો બહાર આવ્યો છે તેમાં વિગત એવી છે કે રાજ્યભરમાં કોલેજો સાથે છેતરપિંડી કરનારા એક નકલી પ્રોફેસરનો પર્દાફાશ થયો છે. આ વ્યક્તિ પોતે દરેક વિષયમાં માસ્ટર હોવાનો ડોળ કરી આખા ગુજરાતમાં ઘણાંને છેતરી ગયો છે. તે પોતે ફોરેન્સિક સાયન્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને અકાઉન્ટ વિષય પર વાતો કરીને ફસાવતો હતો. આ પ્રોફેસરે બે કોલેજોમાં અકાઉન્ટ વિષયના લેક્ચર્સ પણ લીધાં છે. તેના કડકડાટ ઈંગ્લિશ અને ભોળા ચહેરાના કારણે અનેક લોકો તેની જાળમાં ફસાઈ ચૂક્યાં છે. ત્યારે હવે તેની છેતરપિંડીનો ભોગ બનેલાં લોકો એક પછી એક સામે આવી રહ્યાં છે.

શનિવારે બપોરે 40 વર્ષનો એક વ્યક્તિ વાડજની કોલેજમાં જાય છે. તેની સાથે એક નાની છોકરી પણ હતી. તે 10 વર્ષની આ બાળકીને પોતાની દીકરી ગણાવે છે. કોલેજને જોતાં જોતાં તે લોકોને કહે છે 1995માં હું અહીં ભણતો હતો અને હવે શિકાગોની યુનિવર્સિટીમાં પ્રોફેસર છું. લોકો સાથે આવી વાતો કરી વિશ્વાસમાં લઈ તે મૂળ મુદ્દા પર આવતો. તે કહેતો, મુંબઈથી અમદાવાદ આવતા ટ્રેનમાં પોતાનો સામાન ગુમ થઈ ગયો છે. તેને મુંબઈ પાછા જવા માટે પૈસાની ખાસ જરૂર છે. કડકડાટ અંગ્રેજી બોલતો અને અમેરિકાની કોલેજનો પ્રોફેસર જોઈને કેટલાક લોકો તરત તેની વાત માની તરત પૈસા આપી દેતાં.

તમને જાણીને નવાઈ લાગશે કે કુમાર આ રીતે અમદાવાદ, સુરત, ખેડા, ખેડબ્રહ્મા અને પાલનપુરની કોલેજમાં જઈને આવી જ વાતો કરતો. તે દરેક જગ્યાએથી ઓછામાં ઓછા 8000 રૂપિયા લઈ જતો. અમદાવાદમાં કુમારે H.A કોમર્સ કોલેજ, HL કોલેજ, ભવન્સ કોલેજ, સહજાનંદ કોલેજ અને RH પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને શિકાર બનાવી હતી.

અમદાવાદની એક કોલેજના પ્રિન્સિપાલે કહ્યું, તે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ઓછા હોય ત્યારે વેકેશનની આસપાસ શનિવારે જ કોલેજ કેમ્પસમાં આવતો. પાલનપુરની કોલેજના એક પ્રોફેસરે કહ્યુ, તે અમારી કોલેજમાં 3 મહિના પહેલાં આવ્યો હતો અને કહેવા લાગ્યો કે તે 1995ની બેન્ચનો વિદ્યાર્થી છે. તે પોતાની કોલેજની સ્મૃતિઓને વાગોળવા લાગ્યો. પ્રોફેસરે કહ્યું કે, કુમાર શિકાગો યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સ વિષયનો એક્સપર્ટ હોવાનો દાવો કરતો. તે પોતાના પૈસા અને દીકરીના કપડાં ભરેલી બેગ ગુમ થયુ હોવાનું કહી અમારી પાસેથી પણ 8000 રૂપિયા પડાવી ગયો હતો. તેણે અમને વીઝિટિંગ કાર્ડ આપ્યું હતું, પરંતુ તેના પરનો નંબર અને ઈ-મેઈલ આઈડી પણ ખોટા જ હતાં.