સરકારી શાળાના 81 ટકા વિદ્યાર્થીઓ કડકડાટ ગુજરાતી વાંચી કે લખી શકતા નથી: સ્ટડી…

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા એક તાજેતરમાં એક અધ્યયન કરવામાં આવ્યું છે. અને આ અધ્યયન અનુસાર શાળાઓના ધોરણ 3 થી 8 ના 81.41 ટકા જેટલા વિદ્યાર્થીઓને કડકડાટ ગુજરાતી વાંચતા કે લખતા નથી આવતું. ગુજરાતીના અધૂરા જ્ઞાનના કારણે આ બાળકોને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો સમજવામાં તકલીફ પડે છે. એપ્રિલ 2019માં આ સ્ટડી હાથ ધરવામાં આવ્યો હતો. આ સ્ટડીમાં 3 થી 8 ધોરણના સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને શામિલ કરવામાં આવ્યા હતા.

નવેમ્બર 2018માં હાથ ધરાયેલા અધ્યયનની સરખામણીમાં એપ્રિલ 2019ના સ્ટડીમાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે. 2018માં 86.51% વિદ્યાર્થીઓ ગુજરાતી બરાબર લખી કે વાંચી નહોતા શકતા. ગુજરાત સરકાર ઉત્સાહપૂર્વક શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમોને ઘણા વર્ષોથી પ્રોત્સાહન આપી રહી છે પરંતુ સ્ટડીમાં બહાર આવેલા સરકારી શાળાના આંકડા નિરાશાજનક છે. નવેમ્બર 2018ના રિપોર્ટ પછી સરકારે મિશન વિદ્યા પ્રોજેક્ટ સરકારી શાળાઓમાં શરૂ કર્યો હતો.

સ્ટડીમાં સામે આવ્યું હતું કે, નવેમ્બર 2018માં ધોરણ 6થી8ના 93.73 ટકા વિદ્યાર્થીઓએ વિજ્ઞાનમાં 50 ટકાથી પણ ઓછા માર્ક્સ મેળવ્યા હતા. જો કે, હાલ આ વિષયમાં નોંધપાત્ર સુધારો થયો છે. એપ્રિલ 2019ના સ્ટડી પ્રમાણે, 81.35% ટકા વિદ્યાર્થીઓએ વિજ્ઞાનમાં 50% ઓછા ગુણ મેળવ્યા. આ જ રીતે નવેમ્બર 2018માં સામાજિક વિજ્ઞાનમાં 75.56 ટકા વિદ્યાર્થીઓએ 50 ટકાથી ઓછા માર્ક મેળવ્યા તેમની સંખ્યા એપ્રિલ 2019માં ઘટીને 67.51% થઈ.

મિશન વિદ્યા પ્રોગ્રામ અંતર્ગત નવેમ્બર 2018માં સાયન્ટિફિક મેથડથી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થયું હતું. નબળા વિદ્યાર્થીઓના જૂથને સરકારે અલગ તારવ્યું છે અને તેમનું શિક્ષણ સ્તર ઊંચું લાવવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. આગામી મહિનાઓમાં ગુજરાતી બરાબર લખી વાંચી શકતા ન હોય તેવા વિદ્યાર્થીઓ 50 ટકાથી પણ ઓછા હોય તેવી આશા છે.”