સુરતઃ શહેરમાં કોરોનાનો કહેર નિરંતર જારી છે. કોરોના કેરની વચ્ચે સરકારી મૃતકોની સંખ્યાની માયાજાળ અલગ છે અને સ્મશાનોમાં થઈ રહેલાં મૃતદેહોના અંતિમ સંસ્કારોની સંખ્યા અલગ છે કોરોનાને પગલે થતા મોત એટલા વધી રહ્યાં છે કે શહેરનાં સ્મશાનોમાં લાકડાં ખૂટી પડ્યાં છે. આવામાં સુગર મિલોથી મોકલવામાં આવતી બગાસનો ઉપયોગ મૃતદેહોને બાળવા માટે થઈ રહ્યો છે.
સુરતમાં પહેલાં ત્રણ સ્મશાન હતાં. એક જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન, બીજું રામનાથ ઘેલા સ્મશાન અને ત્રીજું અશ્વનીકુમાર સ્મશાન, કોરોનાની બીજી લહેરમાં મૃતકોની સંખ્યા એટલી વધી ગઈ કે બે નવાં સ્મશાન શરૂ કરવા પડ્યાં છે. જેમાંથી એક લિબાયત ક્ષેત્રમાં શરૂ કરવામાં આવ્યું, જ્યારે બીજું પાલ વિસ્તારમાં કૈલાશમોક્ષ ધામ સ્મશાન નામથી શરૂ કરવામાં આવ્યું. આ સિવાય જૂનાં બધાં ત્રણે સ્મશાનોમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે એવી ચિતાઓ તૈયાર કરવામાં આવી, જે 24 કલાક અગ્નિદાહની પ્રક્રિયા જારી રાખે છે.
સુરતનાં બધા સ્મશાનોમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાકડીઓ ઓછી પડી રહી છે. એટલે સુગર મિલોથી બગાસ મોકલવામાં આવી રહી છે. સુગર મિલના ડિરેક્ટર દર્શન નાયકના જણાવ્યા મુજબ તેમની સુગર મિલ દ્વારા શહેર અને જિલ્લાનાં બધાં સ્મશાનોની જરૂરિયાત મુતબ મફતમાં બગાસ મોકલવામાં આવી રહી છે.
કૈલાશ મોક્ષ ધામ સ્મશાનથી જોડાયેલા નીતિનભાઈ કહે છે કે બગાસ અત્યંત જ્વલનશીલ હોય છે, એટલે આગ જલદી પકડે છે અને ઓછાં લાકડાંમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર થઈ જાય છે.