ઉત્તર પ્રદેશના હાથરસમાં નાસભાગ થવાથી 122 માસુમ લોકોના જીવ ગયા છે. આ દુર્ઘટનાને લઈને તપાસના ધમધમાટ ચાલી રહ્યા છે. ત્યારે આગામી 7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાશે. સામાન્ય રીતે આ રથયાત્રામાં ભગવાનના દર્શન માટે લાખોની સંખ્યામાં લોકો ઊમટી પડતી હોય છે. આ સાથે દુર દુરથી આ રથયાત્રાનો લાહ્વો લેવા લોકો આવતા હોય છે.
ત્યારે આજે રથયાત્રાને લઈ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે અષાઢી બીજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રકમાં વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ, અંગ કસરતના 30 અખાડા, 18 ભજનમંડળીઓ સાથે ત્રણ બેન્ડવાજાવાળા રહેશે. 1000થી 1200 જેટલા ખલાસી ભાઈઓ રથ ખેંચશે. જગન્નાથ મંદિરની વેબસાઇટ WWW.JAGANNATHJI AHD.ORG ઉપર ઓનલાઈન દર્શન થઈ શકશે. જમાલપુર જગન્નાથ મંદિરમાં પ્રાંગણમાં કોઈ દુર્ઘટના થાય તો 1 કરોડનો વીમો પણ લેવાયો છે.
આ ઉપરાંત ઉત્તરપ્રદેશના હાથરસની ઘટનાને લઈ અમદાવાદની રથયાત્રામાં ભાગદોડ ન થાય એ માટે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ ભક્તોને અપિલ કરી હતી કે, ભગવાનનાં દર્શન લોકો દૂરથી કરે. દર્શન માટે ધક્કામુક્કી કરે નહીં. ઉલ્લેખનીય છે કે રથયાત્રાને લઈ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.