ઉનાઃ ઉના-વેરાવળ હાઈવે પર કોડીનારનાં કરેડા ગામના પાટિયા પાસેથી પોલીસે 98 લાખની જૂની નોટો સાથે એક બાઈક સવારને ઝડપી પાડ્યો છે. દારૂની હેરાફેરીની શંકાના આધારે પોલીસે બાઈક અટકાવ્યું હતું અને પોલીસે બાઈક સવારની તલાશી લેતા કેસર કેરીના બે બોક્સમાં સંતાડેલી રૂપીયા 500 અને 1000ની રદ્દ થયેલી જૂની નોટો મળી આવી હતી.
પોલીસે આરોપીને ઝડપી લઈ તેમા સંડોવાયેલી આખી ગેંગ વિશે માહિતી પ્રાપ્ત કરવા અને તેમને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ નોટ વેરાવળ અને ત્યાંથી સુરત પહોંચાડવાની હોવાનું પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું છે. ઝડપાયેલો વ્યક્તિ ઉના તાલુકાના વ્યાજપુરનો રહેવાસી છે. તો આ નોટનો મૂળ માલિક કે જેની પાસેથી આ નોટો લાવવામાં આવી હતી તે વ્યક્તિ મૂળ ઉનાનો છે તે હાલ સુરત રહે છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે બાઈક સવારની અટકાયત કરી આ દીશામાં વધુ તપાસ હાથ ધરી છે.