લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. આ મહાપર્વને ખાસ બનાવવા દરેક લોકો ખાસ તૈયારીઓ કરી રહ્યા છે. સરકાર સહિત ખાનગી કંપની અને ગ્રુપ પણ મતદાન જાગૃતિ માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. જ્યાં અલગ અલગ રીતે લોકોને મતદાન માટે પ્રેરણા આપવામાં આવે છે.
આ લોકસભા ચૂંટણીમાં પણ લોકો વધુને વધુ મતદાન કરે તેને લઈ ચૂંટણી પંચ દ્વારા પણ મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ વન મૉલમાં દશ મિનિટ દેશ માટે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રંગોળી બનાવવામાં આવી છે. 15/12 ફૂટની રંગોળી દ્વારા મૉલમાં આવનાર તમામ લોકો મતદાન માટે જાગૃત થાય તેવો પ્રયાસ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો છે.
તો બીજી બાજુ અમદાવાદમાં આવેલી ITC નર્મદા હોટલએ લોકસભા ચૂંટણીમાં સારું મતદાન થાય તે માટે મતદારોને પ્રોત્સાહન આપવા ‘પાવર ઑફ યોર વૉટ’ નામની પ્રેરણાદાયી પહેલ શરૂ કરી છે. આ પહેલ શરૂ કરવા પાછળનો ઉદ્દેશ્ય મતદારોને એક્સક્લુસિવ ડિસ્કાઉન્ટ્સ આપીને મતદાનની પ્રક્રિયામાં લોકોની સહભાગીદારીને વધારવાનો છે. ITC નર્મદાના ઑલ-ડે ડાઇનર રેસ્ટોરન્ટ અડાલજ પેવેલિયન ખાતે લન્ચ અને ડિનર બુફે પર આકર્ષક ડિસ્કાઉન્ટ્સ ઓફર કર્યું છે. મતદારો પોતાની શાહી લગાડેલી આંગળી દેખાડશે, તેમને લન્ચ બૂફે પર 50%નું ડિસ્કાઉન્ટ અને ડિનર બૂફે પર 25%નું ડિસ્કાઉન્ટ મળશે.
અમદાવાદમાં પાછલા ત્રણ વર્ષથી ચાલી રહેલા યો વુમનિયા કિટી ગ્રુપમાં મતદાન જાગૃતિમાં ઊર્વિ સોની અને સોનલ સોની દ્વારા મતદાન ઉત્સવની ઉજવણી કરાવવામાં આવી રહી છે. જ્યારે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સોનલ સોનીએ કહ્યું કે અમે પાછલા ઘણા સમયથી અલગ-અલગ એક્ટિવિટીસ કરીએ છીએ. જ્યારે મતદાનની વાત આવી ત્યારે ગ્રુપમાં થોડી નિરસતાનો ભાવ છવાયો હતો. જેની કરીને અમે મતદાન ઉત્સવા ઉજવણી કરવાનો નિર્ણય કર્યો અને મતદાન મહિનાના એક વોટ કેટલો કિમતી છે તેના ઉદાહરણ સાથે મતદા માટે પ્રેરણા પુર પાડી.
જ્યારે અમદાવાના વટવામાં ગુરુકૃપા યોગ કેન્દ્ર ચલાવતા કોમલ બહેન પટેલ પણ પોતાના યોગ કેન્દ્ર દ્વારા યોગ માટે આવેલા તમામ મહિલા, યુવાનો અને વૃદ્ધોને મતદાન માટે પ્રોત્સાહિત કરે છે. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે “હું પહેલા મતદાન પછી જળપાનના ટેગ સાથે લોકમાં મતદાન જાગૃતી માટે અભિયાન ચલાવી રહી છું. જેથી કરી વધુથી વધુ લોકો લોકશાહિના મહા પર્વની ઉજવણી સહભાગી બને. આ ઉપરાંત અમારું ગ્રુપ શહેરના અલગ અલગ વિસ્તારમાં મતદાન માટે લોકોને સમજાવે છે. તેમના મતદાનને લઈ પ્રશ્નોનું સમાધાન આપી મતદાન કરવા માટે પ્રેરણા આપે છે”.
રાષ્ટ્રીય દિવ્યાંગજન અને વિકાસ નિગમ અને અંધજન મંડળ, વસ્ત્રાપુરના સંયુક્ત ઉપક્રમે અંધજન મંડળ, વસ્ત્રાપુર,અમદાવાદ ખાતે દિવ્યાંગ મતદાન ચેતના વિકાસ અભિયાન 2024નું આયોજન કરાયું હતું. બહુ મોટી સંખ્યામાં નાગરિકોએ મતદાન સંકલ્પ અંગે પ્રતિજ્ઞા લીધી.અમદાવાદ શહેરની દિવ્યાંગજનો ના ક્ષેત્રે કાર્યરત અનેક સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ મતદાન જાગૃતિ અંગેના અભિયાનમાં જોડાઈ સમાજને સંદેશ પાઠવ્યો હતો. આ ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને ચૂંટણી પંચ ના સહયોગથી અમદાવાદ શહેર ખાતે મતદાનજાગૃતિ માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું.જેમાં અમદાવાદ શહેર અને જિલ્લાની શાળાઓમાંથી બહુ વિશાળ સંખ્યામાં આચાર્ય મિત્રો ,શિક્ષકો અને સંચાલક મિત્રો પણ જોડાયા.
આ કાર્યક્રમો યોજવા સાથે કેટલીક સંસ્થાઓ જાહેર સસ્તા પર બેનર લગાડી લોકોને લોકશાહીના પર્વમાં ભાગીદાર બનવા માટે પ્રેરણા આપી રહ્યા છે. ભારત વિકાસ પરિષદ દ્વારા અલગ-અલગ બસ સ્ટોપ પર બેનર લગાડવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદના મોટા-મોટા ક્લબો દ્વારા પણ આવા બેનરો થકી મહાપર્વમાં જોડાવા માટેની અપીલ કરવામાં આવી રહી છે.