ગાંધીનગર– મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વિવિધ સંવર્ગમાં ખાલી જગ્યાઓ ભરવા દસ વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર કરી એક વર્ષમાં ૭૦ હજાર યુવાનોને સરકારી નોકરી આપી છે, વધુમાં સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં કે લઘુતમ વેતન સંદર્ભે ક્યાંય પણ અનિયમિતતા કે ગરબડ હશે તો રાજ્ય સરકાર કડકમાં કડક પગલાં લેશે.મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતુ કે, રાજ્યભરમાં મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ અગાઉની વિપક્ષની સરકારે મુકેલા ભરતી ઉપરના પ્રતિબંધને આભારી છે ત્યારે, સમગ્ર દેશમાં દસ વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર કરી આટલી મોટી સંખ્યામાં પારદર્શિતાથી ભરતી કરનારુ ગુજરાત રાજ્ય દેશભરમાં અગ્રેસર છે.
પ્રશ્નોતરીકાળ દરમિયાન ગીર સમોનાથ અને અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયતનું સંવર્ગવાર મહેકમ સંદર્ભના પ્રશ્નના જવાબમાં મુખ્યપ્રધાને આ પ્રમાણે જણાવ્યું હતુ. આ પ્રશ્નના પૂરક પ્રશ્નનો પ્રત્યુતર પાઠવતા રાજ્યકક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગીર સોમનાથમાં વર્ષ-૨૦૧૪થી અત્યાર સુધીમાં વિવિધ સંવર્ગમાં ૩૪૦ જયારે અમરેલી જિલ્લામાં ૫૭૯ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે, તેમણે એમ જણાવ્યું હતું કે, રાજયભરમાં વિવિધ સંવર્ગમાં ખાલી જગ્યાઓ ઝડપથી ભરાય તે માટે રાજ્ય સરકારે સવિશેષ આયોજન કર્યું છે.