ગાંધીનગરઃ ઈન્ડિયન નોલેજ સિસ્ટમ્સ ઈલેક્ટિવ કોર્સના શુભારંભની છઠ્ઠી આવૃત્તિના ભાગરૂપે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (આઈઆઈટીજીએન) દ્વારા ઉર્દૂ ભાષા અને સાહિત્યનાં નામાંકિત નિષ્ણાત પ્રો. હમીદાબાનુ ચોપરાનાં ત્રણ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. લેક્ચરના શિર્ષક આ પ્રમાણે હતા: (1) ઉર્દૂ ભાષાનું મૂળ અને ઉત્પત્તિ (2) ગઝલ, નઝ્મ અને રુબાઈઃ ઉર્દૂ સાહિત્યનો સુંદર વિકાસ (3) ઉર્દૂ રામાયણનું પઠન. પ્રો. હમીદાબાનુ ચોપરા 30 વર્ષથી ઉર્દૂ ભાષા અને સાહિત્ય શીખડાવે છે. તેઓ કેલિફોર્નિયા યૂનિવર્સિટીમાં લેક્ચરર પણ રહી ચૂક્યાં છે.
પ્રો. હમીદાબાનુ ચોપરાએ ઉર્દૂ ભાષાના મૂળ, ઈતિહાસ અને ઉત્પત્તિ વિશે કહ્યું કે, 15મી સદીના મોગલ શાસનમાં તેના લશ્કરમાં તુર્કી, બલુચિસ્તાની, સમરકાંડી અને હિન્દુસ્તાની સૈનિકો હતા. સૈન્યને દિલ્હી નજીક સ્થિત કરાયું હતું. સૈનિકોના પરસ્પર સંવાદમાંથી એક ભાષાનો જન્મ થયો, જેની પર દિલ્હીની આસપાસના વિસ્તારોમાં બોલાતી અન્ય ભાષાઓનો પણ પ્રભાવ પડ્યો હતો. સમય વહેતાં આ ભાષાને ‘હિન્દવી’ કહેવામાં આવી. તે સૂફી સંતો તથા લોકોમાં લોકપ્રિય બની ગઈ. હિન્દવી ઉર્દૂ ભાષાનું પ્રથમ નામ છે, મતલબ કે ભારતમાં જન્મેલી. બહાદુર શાહ ઝફરના શાસનનો સમયગાળો ઉર્દૂ ભાષાનો સુવર્ણ કાળ હતો.