સુરતઃ અહીં સૌપ્રથમ વખત ડોનેટ લાઈફના માધ્યમથી દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવકમાં કરવામાં આવ્યું.
વણકર સમાજના બ્રેઈનડેડ યોગશિક્ષિકા રંજનબેન પ્રવીણભાઈ ચાવડાના પરિવારે તેમનાં કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ છઠ્ઠી ઘટના છે.
માણેક બાગ, સેગવી, વલસાડ ખાતે રહેતા યોગશિક્ષિક રંજનબેન ગુરુવાર, તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦:૦૦ કલાકે તેમના ઘરેથી તેમના બેન તનુજાને ત્યાં મોપેડ પર જઈ રહ્યા હતા ત્યારે વલસાડ ધરમપુર ચોકડી પાસે એસ.ટી વર્કશોપની સામે એક અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા મોપેડ પરથી નીચે પડી ગયા હતા અને તેમને માથામાં ગંભીર ઈજા થવાથી વલસાડની લોટસ હોસ્પિટલમાં દાખલ કરી નિદાન માટે સીટી સ્કેન કરાવતાં એમને બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો, સોજો તથા ફ્રેક્ચર થયાનું નિદાન થયું હતું. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે એમને સુરતની એપલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં ડોક્ટરએ ક્રેનીઓટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો.
શનિવાર, તા.૦૨ ઓક્ટોબરના રોજ એપલ હોસ્પિટલના ડોક્ટરોએ રંજનબેનને બ્રેનડેડ જાહેર કરતાં ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી રંજનબેનના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
રંજનબેનનાં પતિ પ્રવીણભાઈએ જણાવ્યું કે મારા પત્ની બ્રેઈનડેડ છે, અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે શરીર બળીને રાખ થઇ જવાનું છે, તેના કરતા તેનાં અંગો થકી ઓર્ગન નિષ્ફળતાનાં દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.
SOTTO દ્વારા લિવરને સુરતની કિરણ હોસ્પિટલને જ્યારે એક કિડનીને અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ને તથા બીજી કિડની વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલને ફાળવવામાં આવી હતી.
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવકના શરીરમાં કરવામાં આવ્યું છે. લિવરને સમયસર કિરણ હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સુરતમાં લિવરનું આ સૌપ્રથમ ટ્રાન્સપ્લાન્ટ છે. સુરતની કિરણ હોસ્પિટલમાં લિવર અને કિડનીનું કેડેવરિક ટ્રાન્સપ્લાન્ટ શરુ થવાને કારણે તેનો લાભ સમગ્ર દક્ષિણ ગુજરાતના દર્દીઓને મળશે.
દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)માં રાજકોટની રહેવાસી ૪૦-વર્ષીય મહિલામાં અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં આણંદની રહેવાસી ૪૫-વર્ષીય મહિલામાં કરવામાં આવ્યું છે. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકને કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ છઠ્ઠી ઘટના છે જેના થકી ૩૦ વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોવીડ-૧૯ મહામારી પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમ્યાન ૪૬ કિડની, ૨૬ લિવર, ૧૦ હૃદય, ૧૬ ફેફસાં, ૧ પેન્ક્રીઆસ અને ૪૪ ચક્ષુઓ સહિત કુલ ૧૪૩ અંગો અને ટીસ્યુઓનાં દાન મેળવી દેશનાં અને વિદેશનાં કુલ ૧૩૨ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.
ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ સલામ વંદન કરે છે સ્વ. રંજનબેન અને તેમનાં પતિ પ્રવીણભાઈ, પુત્ર જય અને સમગ્ર પરિવારજનોને, તેમના આ નિર્ણય બદલ.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૪૦૬ કિડની, ૧૭૧ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૬ હૃદય, ૨૦ ફેફસાં અને ૩૦૮ ચક્ષુઓ કુલ ૯૪૯ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૭૦ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે. અંગદાન…જીવનદાન…