ડોક્ટરોની હડતાળથી દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા

કોલકાતા રેસિડેન્ટ મહિલા ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાના પડધા સમગ્ર દેશમાં પડ્યા છે. જેને લઇને સમગ્ર દેશમાં ઠેર ઠેર ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી રેસિડેન્ટ ડોક્ટરો અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરી સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની માગ કરી રહ્યા છે. આ સાથે ડોક્ટરો દ્વારા ઇમર્જન્સી સેવા સિવાય OPD અને વોર્ડ સર્વિસ બંધ રાખવામાં આવી છે. ત્યારે આજે (20 ઓગસ્ટ) અમદાવાદ સિવિલમાં ડોક્ટરોની અચક્કોસ મુદ્દતની હડતાલને લઈ દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી બાજું 40 ટકા પ્લાન્ટ સર્જરી-ઓપરેશન ઓછાં કરાયાં છે.

રાજ્યમાં ઠેર ઠેર હડતાલના પગલે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતની હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધતા જિલ્લાના 55 ડોક્ટરોને બોલાવામાં આવ્યા છે, તો રેસિડેન્ટ ડોક્ટરોએ સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. રાજકોટની હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તો ડોક્ટરો દ્વારા હોસ્પિટલ કેમ્પસની સફાઈ સાથે વિરોધ પ્રદર્શન કરી ડીનને રજૂઆત કરવામાં આવી હતી. અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં સવારથી જ ડોક્ટરો હડતાળ પર બેઠા છે. જ્યારે OPDમાં પણ વહેલી સવારથી દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે. જુનિયર ડોક્ટર ના હોવાથી OPDમાં લાંબી લાઈનો જોવા મળી હતી. કેટલાક દર્દીઓને ધક્કા ખાવા પડી રહ્યા છે તો કેટલાક દર્દીઓ શુક્રવારે આવ્યા હતા પરંતુ હડતાળ હોવાથી પરત ફર્યા હતા ત્યારે આજે ફરીથી લાંબી લાઈનમાં સારવાર માટે ઊભા છે. દર્દીઓનો આક્ષેપ છે કે, તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ સિવિલમાં પ્લાન્ટ સર્જરી અને ઓપરેશન પણ 40 ટકા ઓછા કરવામાં આવ્યાં છે.

સુરતમાં સરકારી હોસ્પિટલમાં સારવારની આશાએ આવતા દર્દીઓને આજે થોડી રાહત થઈ છે. જોકે, બે દિવસથી રજા હોવાના કારણે આજે દર્દીઓનો ધસારો વધી ગયો હતો. સુરતની નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોએ પાંચમા દિવસે પણ હડતાળ ચાલુ રાખી હતી અને કામકાજથી અળગા રહ્યા હતા. રવિવાર અને સોમવારે રક્ષાબંધનના તહેવારને કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યા નહિવત્ રહી હતી. જ્યારે આજે ફરી એકવાર OPD શરૂ થતાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તો બીજી તરફ વિરોધ કરી રહેલા રેસિડેન્ટ તબીબોએ આજે સુરત સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી.