માર્ગો પરનાં વૃક્ષો પર ઝૂલતા ટેડી બિયર આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદઃ શહેરના માર્ગો પર બીજા પ્રાંતમાં બનેલાં રમકડાં, કળાત્મક ચીજો, કોટી, ધાબળાં અને ઝૂલા જેવી અનેક ચીજવસ્તુઓ વેચાણ માટે લોકો ફરતા જોવા મળે છે. શહેરના રિંગ રોડ પરથી પસાર થતાં શીલજ, બોપલ અને એસ. જી. હાઇવેની ખુલ્લી જગ્યાઓ પર પણ રંગબેરંગી ટેડી બિયરની સાથે વિવિધ આકારના બાળકોના ઝૂલા, રબરનાં હવા ભરેલાં રમકડાં અને પાણીમાં રમવાની રબરની રિંગનું પણ વેચાણ થતું જોવા મળે છે.

શહેરની અંદર કે બહારની ખુલ્લી જગ્યાઓમાં માર્ગને છેડે માલસામાન વેચતા પરપ્રાંતિયો જોવા મળે છે. હાલ શીલજ, બોપલ પાસેના હાઇવે પર છેલ્લા કેટલાક સમયથી ટેડી બિયરનું વેચાણ કરતાં વેપારીઓ કહે છે કે કોરોના પહેલાં બર્થ-ડે, વેલેન્ટાઇન ડે, નાતાલમાં વેચાણ ખૂબ જ થતું હતું. અત્યારે કોરોના કાળમા છેલ્લા કેટલાક મહિનાઓથી ગ્રાહકો જોવા પણ ઊભા રહેતા નથી.

લોકડાઉન વખતે આવતા-જતા લોકો અમને ફૂડ પેકેટ્સ, સીધું-સામાન આપી જતાં, એમાંથી અમારું ગુજરાન ચાલતું હતું. મોટા ભાગનો માલસમાન દિલ્હીથી લાવીએ છીએ, પણ હાલ વેચાણ ઓછું હોવાથી અમે પણ ખરીદી કરતાં નથી. નાના-મોટા  ટેડી બિયર શો-રૂમોમાં મોંઘા પડે ત્યારે માર્ગો પર અંદાજે રૂપિયા દોઢસોથી માંડી છસોમાં જુદી-જુદી સાઇઝ અને રંગોમાં સરળતાથી મળી જાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)