અમદાવાદ: વાહન પાર્કિંગ જેવી નાની બાબતે શરૂ થયેલો સામાન્ય વિવાદ ગંભીર અથડામણમાં ફેરવાતા એક જ્વેલર્સ શોરૂમના માલિક પર જીવલેણ હુમલો કરાયો હોવાની ચકચારભરી ઘટના શહેરના કૃષ્ણનગર વિસ્તારમાંથી સામે આવી છે. આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, કૃષ્ણનગરના સરદાર ચોક વિસ્તારમાં એક જ્વેલર્સ શોરૂમના માલિક પોતાના દુકાન આગળ હાજર હતા. એ દરમિયાન એક બાઈકચાલક શો રૂમની સામે પોતાનું વાહન પાર્ક કરી રહ્યો હતો. પાર્કિંગ અંગે બંને વચ્ચે શરૂઆતમાં સામાન્ય બોલાચાલી થઈ. પરંતું, વાતચીત ઉગ્ર બનતા મામલો મારામારી સુધી પહોંચ્યો.
બાઈક ચાલકે ગુસ્સે ભરાઈ જ્વેલર્સના માલિક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હતો. આ હુમલામાં જ્વેલર્સના માલિકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તરતજ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે, માલિકના હાથ અને પીઠના ભાગે ઘા આવેલા છે, પરંતુ હાલ તેમની હાલત સ્થિર છે.
આ ઘટના બાદ તાત્કાલિક કૃષ્ણનગર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ કરી અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે કાર્યવાહી શરૂ કરી છે. હુમલાખોર બાઈક ચાલકની ઓળખ કરી તેની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ અનુસાર, પ્રાથમિક તપાસમાં આ હુમલો વાહન પાર્કિંગને લઈને થયેલી રકઝકનો પરિણામ હોવાનું માલુમ પડ્યું છે, પરંતુ અન્ય કોઈ વ્યક્તિ આ વિવાદમાં સામેલ છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. પોલીસને તાત્કાલિક આરોપી સામે કડક પગલા ભરવા માટે અપીલ કરી છે. હુમલાખોરને ઝડપી લેવા માટે ટીમ ગોઠવી દેવામાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે તવાઈ કરાઈ રહી છે. આરોપી ઝડપાઈ જશે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ મામલે હવે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. વેપારીઓ અને સ્થાનિકો સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા માગ કરી રહ્યા છે
