અમદાવાદ- હવે મનસેની જેમ ઠાકોર સેના પરપ્રાંતીય લોકો પર હુમલા કરી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. ગુજરાતમાં ખુલ્લેઆમ તલવારો લઇને બે જગ્યાએ હુમલા થયાં છે. જેમાં ઠાકોર સેનાની સંડોવણી હોવાના આક્ષેપો થયાં છે. ઉવારસદના વાયરલ થયેલા એક વીડિયોમાં પરપ્રાંતીયોને ગુજરાત છોડવાની ધમકી અપાઈ છે. ત્યારે મહેસાણાના ઇન્દ્રાડ ગામે પણ તેના પડઘા જોવા મળ્યાં હતાં.
મહેસાણાના ઇન્દ્રાડ ગામે ટોળાં દ્વારા પરપ્રાંતીય લોકોની કોલોનીને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. જેમાં ૧૦૦થી ૧૫૦ લોકોના ટોળાએ કોલોનીમાં તોડફોડ કરી પરપ્રાંતીય લોકોને માર મારવામાં આવ્યો હતો. જેમાં કેટલાક ભાગી ગયા હતા પરંતુ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા પૈસા ન હોવાના કારણે ઘરમાં સંતાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. હાલ તે ભયના માહોલ વચ્ચે કોલોનીમાં વસવાટ કરી રહ્યાં છે.
ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી નંદાસણ મહેસાણા અને કડી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પોલીસે ૧૫ જેટલા ટીયર ગેસના સેલ છોડી ટોળાને વિખેરવાનો પ્રયાસ કયો હતો. ૧૪ જેટલા લોકોની અટકાયત કરી હતી. આ સમગ્ર મામલે ટોળાએ હિંસકરૂપ ધારણ કરી પોલીસ પર પણ હુમલો કર્યો હતો જેને લઈને પોલીસે રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ મામલે ડીજીપી શિવાનંદ ઝાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, હુમલાની ઘટનાઓ ચલાવી લેવામાં નહીં આવે, પરપ્રાતીય લોકો કામ કરતા હોય તે સ્થળે સુરક્ષામાં વધારો કરવામાં આવશે. તોફાની તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.
ગઈકાલે ભાભરમાં કરણી સેનાએ ઢૂંઢર ગામની બાળકી પર દુષ્કર્મ મામલે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ. ગુજરાતમાં વસતા પરપ્રાંતીય લોકોની માહિતી તેમજ વેરિફિકેશન કરીને રહેવાની મંજૂરી આપવા બાબતે પણ રજૂઆત કરી હતી. ભાભર હાઈવેથી લઈ મામલતદાર કચેરી સુધી મૌન રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ અને દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા કરવાની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોરે આગામી 8 ઓક્ટોબરથી ગાંધી આશ્રમથી સદ્દભાવના ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. રૂપાણી સરકાર માટે આગામી દિવસો મુશ્કેલીભર્યા બને તેવી સંભાવના છે. અલ્પેશે ચીમકી આપી છે કે, સરકાર રાધનપુરમાં કાર્યક્રમ કરી બતાવે.