અમદાવાદના સૌથી વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને લઈ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ બ્રિજને તોડીને નવો બનાવવાની યોજના હતી, પરંતુ હવે માત્ર તેને તોડવાનો નિર્ણય લેવાયો છે. આ ડિમોલિશન માટે AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગે 9.31 કરોડ રૂપિયાનું નવું ટેન્ડર જાહેર કર્યું છે. આ બ્રિજ, જે 50 કરોડ રૂપિયાના ખર્ચે 2017માં બન્યો હતો, છેલ્લા ત્રણ વર્ષથી નાગરિકોની અવરજવર માટે બંધ છે, કારણ કે તેમાં ગંભીર માળખાકીય ખામીઓ જોવા મળી હતી.
હાટકેશ્વર બ્રિજ, જે ખોખરા અને CTM ચાર રસ્તાને જોડે છે, તેની ટેન્ડર પ્રક્રિયા 2014માં શરૂ થઈ, 2015માં બાંધકામ શરૂ થયું, અને 2017માં તે લોકો માટે ખુલ્લો મૂકાયો. આ પ્રોજેક્ટની જવાબદારી તત્કાલીન ભાજપના પદાધિકારીઓ અને AMCના અધિકારીઓની હતી. જોકે, બાંધકામ દરમિયાન ગુણવત્તા પર ધ્યાન આપવામાં નિષ્ફળતા સર્જાઈ. 2021થી બ્રિજમાં ડેક સેટલમેન્ટ અને કોંક્રિટની ખામીઓ દેખાવા લાગી, અને ઓગસ્ટ 2022માં તેને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો. IIT રુડકી અને SVNIT સુરતના નિષ્ણાતોએ બ્રિજમાં નબળી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ થયો હોવાનું નિશ્ચિત કર્યું હતું.
રાજ્ય સરકારના 2015-16ના ઓડિટ રિપોર્ટમાં AMCના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે મિલીભગત હોવાનું સામે આવ્યું હતું. રિપોર્ટ પ્રમાણે કોન્ટ્રાક્ટરે બાંધકામમાં વિલંબ કર્યો, જેના માટે 12.69 લાખ રૂપિયાનો દંડ વસૂલવાનો હતો, પરંતુ તેની વસૂલાત થઈ નહીં. ટેન્ડરની શરત મુજબ 1% ટેસ્ટિંગ ચાર્જ (38.83 લાખ રૂપિયા) બિલમાંથી બાદ કરવાનો હતો, પરંતુ આ રકમ પણ વસૂલાઈ નહીં. બાંધકામ દરમિયાન મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, ડિઝાઇન કન્સલ્ટન્ટ, અને પ્રૂફ ચેકિંગ કન્સલ્ટન્ટ દ્વારા કોઈ સુપરવિઝન કે ગુણવત્તા તપાસ થઈ નહોતી. AMCના અધિકારીઓ બાંધકામ સ્થળે નિયમિત તપાસ માટે ગયા નહોતા, જેના કારણે નાણાકીય અનિયમિતતા અને ટેન્ડરની શરતોનો ભંગ થયો. ઓડિટ વિભાગે આ બાબતોની ગંભીર નોંધ લઈ કાર્યવાહીની સૂચના આપી હતી, પરંતુ AMCના અધિકારીઓએ કોઈ પગલાં લીધાં નહોતાં. દરેક તપાસમાં “સબ સલામત” હોવાનો દાવો કરવામાં આવ્યો, જે ભ્રષ્ટાચારને છુપાવવાનો પ્રયાસ હતો.
2023માં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારાસને બ્રિજને તોડીને નવો બનાવવાની જાહેરાત કરી હતી, અને 51.7 કરોડ રૂપિયાનું ટેન્ડર જાહેર કરાયું હતું. જોકે, ત્રણ વખત ટેન્ડર જાહેર કરવા છતાં કોઈ કોન્ટ્રાક્ટરે રસ દાખવ્યો નહીં. ચોથા ટેન્ડરમાં વિષ્ણુ પ્રકાશ આર. પુંગલિયા લિમિટેડ નામની કંપનીએ બિડ કરી, પરંતુ હવે AMCએ નવો બ્રિજ બનાવવાને બદલે માત્ર ડિમોલિશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ માટે 9.31 કરોડ રૂપિયાનું નવું ટેન્ડર જાહેર થયું છે, અને ડિમોલિશનની કામગીરી આગામી થોડા મહિનામાં શરૂ થવાની શક્યતા છે.
AMCએ 2023માં અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને પ્રોજેક્ટ મોનિટરિંગ કન્સલ્ટન્ટ SGS ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં FIR નોંધી હતી. આ ફરિયાદમાં નબળી ગુણવત્તાના મટિરિયલના ઉપયોગ, છેતરપિંડી, અને ગુનાહિત કાવતરાનો આરોપ લગાવાયો હતો. કોન્ટ્રાક્ટર કંપનીના ચાર ડિરેક્ટર્સની ધરપકડ પણ કરવામાં આવી હતી, અને બંને કંપનીઓને 10 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાઈ હતી. AMCના ચાર એન્જિનિયર્સને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ચાર સામે વિભાગીય તપાસ શરૂ કરાઈ હતી.
