સૂરત- દક્ષિણ ગુજરાતના આ શહેરમાં સામાન્ય રીતે હવામાનમાં તાપમાનનો પારો આવો સંવેદનશીલ ભાગ્યે જ જોવા મળે છે જેવો આજે જોવા મળ્યો છે. સૂરતે આજે દેશભરના તાપમાનમાં સૌથી વધુ તાપમાનનો અનોખો રેકોર્ડ સર્જ્યો છે. આ માહિતી હવામાન વેબસાઇટ સ્કાયમેટ ડોટ કોમે આપી હતી.ગ્લોબલ વોર્મિગની અસર સમગ્ર ભારતમાં મોટાભાગના વિસ્તારમાં જણાઇ રહી છે.સમય પહેલાં જ દેશનું સરેરાશ તાપમાન ગરમીને લઇને આક્રમક બની ગયું છે. પાછલાં કેટલાક દિવસથી ઉત્તર, પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતના લગભગ તમામ ભાગમાં અધિકતમ તાપમાન 35 ડિગ્રી ચાલી રહ્યું છે. ત્યારે આજે ગુજરાતથી લઇ કર્ણાટક સુધી 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચી રહ્યું છે. જેમાં આજે ગુરુવારે ગુજરાતના સૂરત સૌથી વધુ 39.2 ડિગ્રી તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર બન્યું છે.
ભારતમાં તાપમાનની સ્થિતિ પર નજર કરીએ તો સૂરત 39.2 ડિગ્રી પછી ક્રમશઃ મેંગલુરુ-કર્ણાટક 38.8 ડિગ્રી. ભૂજ-38.6 ડિગ્રી, ત્રિસૂર-કેરળ- 38.4. અકોલા-મહારાષ્ટ્ર- 38.2 ડિગ્રી, ભદ્રાચલમ-તેલંગણા- 38.2 ડિગ્રી, થાણે 38.2 ડિગ્રી, રામાગુંડમ-તેલંગણા 38.1 ડિગ્રી, અમરેલી 38 ડિગ્રી અને નાંદેડ-મહારાષ્ટ્રમાં 38 ડિગ્રી નોંધાયું છે.
આ યાદીમાં જોઇ શકાય છે કે દેશના સૌથી ગરમ 10 શહેરમાં 3 શહેર ગુજરાતના છે.