અમદાવાદઃ આવતીકાલે 23મી એપ્રિલ છે. અને 23મી એપ્રિલ એટલે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનનો દિવસ છે. ત્યારે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને સાથે જ વાતાવરણમાં પણ ગરમાવો દેખાઈ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ચાર દિવસ દરમિયાન તાપમાન વધી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ઉત્તર પશ્ચિમ તરફથી ફૂંકાતા પવનથી મતદાનના દિવસે એટલે કે આવતીકાલે ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.
અરબી સમુદ્રમાં હાઈપ્રેશર જે સર્જાયું છે, જે ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ભારત સુધી લંબાવવાની શક્યતા હોવાથી 22 થી 28 એપ્રિલ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમી 44 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતાઓ છે. ત્યારે આ ગરમીના કારણે મતદાન પર અસર પડે તેવી શક્યતાઓ છે. વાતાવરણની વધુ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળશે. જેમા વેરાવળ, પોરબંદર અને દિવ જેવા દરિયા કિનારાવાળા વિસ્તારમાં ગરમ પવન ફૂંકાશે અને ગરમીનું પ્રમાણે વધશે.
તો 23 એપ્રિલે ચૂંટણીમાં મતદાન કરવા જતા મતદારોને કાળઝાળ ગરમીનો સામનો કરીને મતદાન કરવું પડશે. આટલી ગરમીમાં બપોરે તો લોકો સામાન્ય પરિસ્થિતિમાં પણ બહાર જવાનું ટાળતા હોય છે ત્યારે મતદાન પણ સવારે 11.00 કલાક પહેલા મહત્તમ થઇ જશે તેવી પણ સંભાવનાઓ રહેલી છે. ગરમીને લીધે મતદાનની ટકાવારીને લઇને રાજકીય પક્ષો ચિંતામાં મૂકાયા છે.
ત્યારે ચૂંટણી પંચે મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે. ભારતના સંવિધાનમાં લોક પ્રતિનિધીત્વ અધિનિયમ 1951 અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1996 અનુસાર મતાધિકાર ધરાવતી કોઇપણ વ્યક્તિ મતદાનને દિવસે સવેતન રજાના હકને પાત્ર છે. ઉપરોક્ત જોગવાઇ મુજબ ગુજરાતમાં તા.23 એપ્રિલને મંગળવારે મતદાનના દિવસે રજા જાહેર કરાઇ છે. કોઇપણ ધંધા-રોજગાર, ઔદ્યોગિક એકમ કે અન્ય કોઇપણ સંસ્થામાં નોકરી કે મજૂરી કરતો વ્યક્તિ મતદાનના દિવસે સવેતન રજાને પાત્ર છે. આ જોગવાઇના ઉલ્લંઘન બદલ દંડ અને સજાની પણ જોગવાઇ છે.