બનાસકાંઠામાં સોનાચાંદીના વેપારીને લૂંટીને બે શખ્સો ફરાર

અરવલ્લીઃ બનાસકાંઠામાં એક લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. વાત છે બનાસકાંઠાના ભાભરની. અહીંયા એક સોના ચાંદીના વેપારી પોતાની દુકાનમાં વસ્તી કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમની પાસેથી તેમનો થેલો આંચકી લીધો હતો. બંને શખ્સો થેલો આંચકી ગણતરીની સેકન્ડોમાં ફરાર થઈ ગયા. વેપારીના થેલામાં સોનાચાંદીના દાગીના ઉપરાંત રોકડ રકમ સહિત 18 લાખની મતાની ચોરી થઈ છે. ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ શરુ કરી છે.

સોનાચાંદીના વેપારી મોડી રાતે દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યાં હતા ત્યારે બે અજાણ્યા બાઇક સવારો તેમની સામે આવ્યા હતા. વેપારી  કઈ સમજે તે પહેલાં બંને  લૂંટારૂ થેલો લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી હતપ્રભ બનેલા વેપારીએ તાત્કાલીક પોલીસ ફરિયાદ નોંધી હતી. અંદાજે 18 લાખ રુપિયાની મતા ચોરાયાની ફરિયાદ છે. પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી હતી.

આ ઘટનાના પગલે પોલીસે લૂંટના સ્થળે તપાસ શરૂ કરી છે. પોલીસે વેપારીની દુકાનની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી અને તપાસ કરી રહી છે. પોલીસ અગાઉના ગુનેગારો અને પલ્સર બાઇક સવારોની કડી મેળવી રહી છે. આ લૂંટની અંજામ આપવા માટે અગાઉથી રેકી થઈ હતી કે નહીં ઉપરાંત આ ઘટનામાં કોઈ જાણભેદુની સંડોવણી  છે કે નહીં, કે પછી અજાણ્યા શખ્સો છે તેનો તાગ મેળવવા માટે પોલીસે અનેક દિશામાં તપાસ હાથ ધરી છે.