આણંદ– ડેરી ઉદ્યોગના વિકાસમાં ખેડૂતોને અર્થક્ષમ રોજગારી પૂરી પાડવા માટે ટેકનોલોજીનું ઘણું મહત્વ છે. ભારત સરકારની ખેડૂતોની આવક બમણી કરવાની ઝૂંબેશ અનુસાર ખેડૂતોને વિવિધ વિકલ્પો (ડેરી આધારિત અને ખેતી તેમજ કૃષિ સંલગ્ન) હાથ ધરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. એમ કેન્દ્રીય કૃષિપ્રધાન રાધામોહન સિંહે જણાવ્યું હતું.
ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન રાધા મોહન સિંહે ડેરી પ્રવૃત્તિ મારફતે ખેડૂતોની આવક બમણી કરવામાં ટેકનોલોજીની ભૂમિકા અંગેના એનડીડીબીના વર્કશોપનું ટી.કે પટેલ ઓડિટોરિયમ આણંદમાં ઉદ્દઘાટન કર્યું હતું. કેન્દ્રના કૃષિ અને ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજ વિભાગના પ્રધાન પુરૂષોત્તમ રૂપાલા, સહકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (સ્વતંત્ર હવાલો) ના પ્રધાન ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ સભ્ય લાલસિંહ વડોદિયા, લોકસભાના સાંસદ દિલીપભાઈ પટેલ અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન દિલિપ રથ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
16 રાજ્યોના દૂધ સંઘો અને પ્રોડ્યુસર કંપનીઓના 600થી વધુ પ્રતિનિધિઓએ આ સમારંભમાં હાજરી આપી હતી. ડેરી ફાર્મ મેનેજમેન્ટ, પ્રિવેન્ટીવ એન્ડ ક્યુરેટિવ એનિમલ હેલ્થ કેર, પશુ સંવર્ધનમાં ટેકનોલોજીકલ પ્રગતિ, સહકારી મંડળીઓના શાસનમાં ટેકનોલોજીની ભૂમિકા, છાણનું કાર્યક્ષમ મેનેજમેન્ટ અને વૈકલ્પિક ઉર્જાના સ્રોતો દ્વારા ખેડૂતોની આવકમાં વધારા જેવા વિષય પર નિષ્ણાંતોએ વિવિધ ટેકનોલોજી અંગે ડેમોન્સ્ટ્રેશન આપ્યુ હતું અને ડેરી ક્ષેત્રના ખેડૂતોને જાણકારી પૂરી પાડી હતી. ડેરી ક્ષેત્રની કેટલીક મહિલાઓએ બાયોગેસ ટેકનોલોજી અંગે તથા દૂધના એકત્રીકરણમાં માહિતી ટેકનોલોજી, પશુઓને પોષણ તથા સંવર્ધન અંગે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા.પુરૂષોત્તમ રૂપાલાએ એનડીડીબી દ્વારા દૂધ અને દૂધની પ્રોડક્ટસના વપરાશને પ્રોત્સાહિત કરવા માટે તૈયાર કરાયેલ પીયો દૂધ ટીવી કોમર્શિયલની રજૂઆત કરી હતી એનડીડીબી ડેરી પ્રોડક્ટસના કોમર્શિયલ ઉત્પાદનમાં દૂધ સહકારી મંડળીઓને સહાયરૂપ થઈને વધતી જતી માંગ સંતોષવામાં સહાયભૂત બને છે અને એ રીતે ખેડૂતોની આવક વધારવામાં મદદ કરે છે. આ સંદર્ભમાં તેમણે એનડીડીબીની પ્રોડક્ટ અને પ્રોસેસ ટેકનોલોજી અંગેના બ્રોશરનું વિમોચન કર્યુ હતું.
આ કાર્યક્રમ દરમ્યાન ડેરી સહકારી મંડળીઓ ડેરી ક્ષેત્રના ખેડૂતોના લાભ માટે નેશનલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCDFI)ના ઈ-માર્કેટ પ્લેટફોર્મનો ઉપયોગ કરે તેવો અનુરોધ કરાયો હતો. આ કાર્યક્રમમાં ખેડૂતોને કેન્દ્રના કૃષિ પ્રધાન દ્વારા એવોર્ડ એનાયત કરાયા હતા.
ખેડૂતોને સંબોધન કરતાં રાધામોહન સિંઘે જણાવ્યું હતું કે ડેરી ઉદ્યોગના વિકાસમાં ખેડૂતોને અર્થક્ષમ રોજગારી પૂરી પાડવા માટે ટેકનોલોજીનું ઘણું મહત્વ છે. ભારત સરકારની ખેડૂતોની આવક બમણી કરવાની ઝૂંબેશ અનુસાર ખેડૂતોને વિવિધ વિકલ્પો (ડેરી આધારિત અને ખેતી તેમજ કૃષિ સંલગ્ન) હાથ ધરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે ખેડૂતોની આર્થિક ક્ષમતા અને કલ્યાણ માટે રોજગારીનું વિવિધિકરણ આવશ્યક છે.કેન્દ્રના કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે ગ્રામ્ય ભારત માટે ડેરી ક્ષેત્ર એ એક મહત્વનું વિકાસલક્ષી કદમ છે, જે કૃષિ વિકાસની સાથે સાથે સમાનતા હાંસલ કરવામાં પણ સહાયક બને છે. માન. પ્રધાન મંત્રી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા નક્કી કરાયેલ લક્ષ્યાંક મુજબ ભારત સરકારે 7 મુદ્દાની વ્યૂહરચના ઘડી કાઢી છે, જેમાં (1) ઉત્પાદકતામાં વધારો (2) સાધનોનો અસરકારક ઉપયોગ (3) પાક લણ્યા પછી થતો બગાડ અટકાવવો (4) મૂલ્ય વૃધ્ધિ (5) માર્કેટીંગમાં સુધારા (6) જોખમોમાં ઘટાડો તથા (7) ડેરી, મધમાખી જેવી સંલગ્ન પ્રવૃત્તિઓને પ્રોત્સાહનનો સમાવેશ થાય છે. હાલમાં ચાલી રહેલા કાર્યક્રમો હેઠળ આ બધી પ્રવૃત્તિઓ નેશનલ ડેરી પ્લાન ફેઝ-1 (એનડીપી-1) હેઠળ હાથ ધરવામાં આવી છે અને ડેરી પ્રોસેસીંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (ડીઆઈડીએફ) નો ડેરી બોર્ડ દ્વારા અમલ કરવામાં આવ્યો છે.