ગુજરાતનું યુવા ધન ખોટા રવાડે ચડી રહ્યું છે. રાજ્યભરના મોટા શહેરોમાં ડ્રગ્સ ઝડપાવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. જાણે ગુજરાત ડ્રગ્સનો ગૃહઉદ્યોગ બની ગયો હોય. યુવાનો ડ્રગ્સના રવાડે ચડી ગયા હોવાથી પોલીસે નો ડ્રગ્સ અભિયાન પણ ચલાવી રહી છે. તેમછતાં રાજ્યના દરિયા કિનારે અને એરપોર્ટ પરથી કરોડોના ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે. આ ઉપરાંત લાખો કરોડોના ડ્રગ્સની ઘૂસણખોરી પણ કરવામાં આવે છે. ત્યારે સુરતમાં એક 32 વર્ષીય યુવકનું ડ્રગ્સના ઓવરડોઝના લીધે શંકાસ્પદ મોત નીપજ્યું હોવાનો પરિવાજનોએ આક્ષેપ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના શહેર ઉના વિસ્તારમાં આવેલી સંજર સોસાયટીમાં રહેતો અને રીક્ષા ચલાવીને ગુજરાત ચલાવતો નવાઝખાન પઠાણ ઘણીવાર દારૂનો નશો કરતો હતો, પરંતુ કેટલાક દિવસોથી એમડી ડ્રગ્સનું સેવન કરતો થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ગત 20 જાન્યુઆરીએ રાત્રે આ યુવકે નશીલા દ્રવ્યનું ઇન્જેક્શન લેતાં તેને ખેંચ આવવા લાગી હતી અને બેભાન થઇ ગયો હતો. ત્યારબાદ તેને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત વધુ ખરાબ થતી જણાતા અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. છેલ્લા 8 દિવસમાં શહેરની અલગ અલગ ત્રણ જેટલી હોસ્ટિલોમાં સારવાર બાદ આજે (28 જાન્યુઆરી) સવારે નવાજખાન પઠાણ નામના યુવકનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે નવાજખાન પઠાણનું મોત ડ્રગ્સના ઓવરડોઝના કારણે થયું છે. યુવકના મૃતદેહને હાલ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ત્યારે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા યુવકના મોતનું સાચું કારણ જાણી શકાશે. જોકે પોલીસે હાલ આ મામલે તપાસ કરી રહી છે.
તો આ બાજું સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ પેડલરોને પકડવા માટે 2 ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરતમાંથી 10 લાખની કિંમતનું ડ્રગ્સના જથ્થા સાથે 3 પેડલર્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 80.140 ગ્રામ M.D ડ્રગ્સ કબ્જે કરાયું છે. ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા બે આરોપી સાળા-બનેવી હોવાનું સામે આવ્યું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.