સુરત: શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં સતત બીજા દિવસે ફરી એક વખત આગ લાગવાની ઘટના બની છે. ગત રોજની લાગેલી આગા પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ આજે સવાર પણ અચાનક ફરી આગ ભભૂંકી ઉઠી હતી. હાલમાં પ્રાથમિક તબક્કે વાયરિંગમાં શોર્ટસર્કિટ અથવા વાયરિંગ ખરાબ હોવાનું જાણવા મળી રહ્યું છે. શિવશક્તિ ટેક્સટાઇલના પ્રથમ માડ પર આવેલી 10 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી ગઇ છે. હાલમાં અવર-જવર બંધ કરી દેવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર માક્ટેમાં લાગેલી આગની ઘટનાના પગલે 20 જેટલા ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ લાગવાના કારણે કરોડો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઇ ગયો છે. અનેક દુકાનો આગની ચપેટમાં આવી ગઇ છે. આગ એટલી ભયાનક છે કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. આસપાસના વિસ્તારોમાં ધુમાડો પ્રસરી ગયો છે.
આ અગાઉ મંગળવારે શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હતી. જેના લીધે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ દિવસ અને પીક અવર હોવાથી માર્કેટમાં લોકોની ભારે ભીડ હતી. આગની લાગવાના સમાચાર મળતાં લોકોએ પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરી હતી. આગના કારણે ભારે ધુમાડાને ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનામાં ગૂંગળામળના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જોકે એ.સી. કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બેઝમેન્ટમાં આવેલી ચારથી પાંચ દુકાનોમાં આગ પ્રસરી ગઇ હતી.
