સૂરતઃ સૂરતમાં એક પિતાએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે. આ વ્યક્તિ એટલી હદે ક્રૂર બની ગયો કે એણે પોતાની પત્ની અને બાળકોનો પણ વિચાર સુદ્ધાં ન કર્યો. સૂરતના પૂણા ગામમાં બેકાર અને દારૂડિયા પિતાએ નિંદ્રાધીન પત્ની, બે પુત્રી અને પુત્ર પર એસિડ હુમલો કર્યો હતો. હાલ આ અસરગ્રસ્તો સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા છે. પારિવારિક ઝઘડામાં અને આર્થિક પરિસ્થિતિથી કંટાળી એસિડ હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તારણમાં માનવામાં આવી રહ્યું છે.
ડોક્ટર્સના જણાવ્યા અનુસાર પરિણીતાની હાલત ઘણી ગંભીર છે. છેલ્લા 3 વર્ષથી ઘરમાં પારિવારિક કંકાસ ચાલતા હતા. મંદીના કારણે હુમલો કરનારા પતિ પાસે કોઈ કામ નહોતું અને તેને નશાની આદત હોવાથી તે દારુ પીવા માટે અવાર-નવાર પૈસા માંગતો હતો. અને જો ઘરમાંથી પૈસા ન આપવામાં આવે તો તે ઝઘડા કરતો હતો. પરિણીતા અને તેની 2 પુત્રીઓ ઘરે જ સાડીમાં ટીકા લગાવવાનું કામ કરીને માંડ-માંડ ગુજરાન ચલાવતા હતા. છોકરો અત્યારે સ્મીમેરમાં એમ.બી.બીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે.
પુણા ગામની હરિધામ સોસાયટીમાં છગનભાઇ વાળા એક દીકરો, બે દીકરી અને પત્ની સાથે રહે છે. ગઇકાલે વહેલી સવારે છગનભાઈએ 18 વર્ષની દીકરી અલ્પા, 25 વર્ષની દીકરી પ્રવિણા, 21 વર્ષનો દીકરો ભાર્ગવ અને પત્ની હર્ષા પર એસિડ નાખી દીધું હતું. જે બાદ તે ફરાર થઈ ગયો હતો. આ લોકોની બુમાબુમથી આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. તમામને સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી.