સૂરત– તળપદા કોળી પટેલ સમાજના બ્રેનડેડ ભોગીલાલભાઈ દયાળજીભાઈ પટેલના કિડની અને લીવરનું દાન કરી એક વ્યક્તિને નવજીવન આપી પરિવારજનોએ માનવતાની મહેક પ્રસારી સમાજને નવી દિશા બતાવી.
ગત ૮ ડિસેમ્બરના રોજ ભોગીલાલભાઈ સાઈકલ પર જઈ રહ્યાં હતાં ત્યારે જુના પેટ્રોલ પંપ કડોદ નજીક અજાણ્યા ટેમ્પો ચાલકથી તેમની સાઈકલને ટક્કર લાગી હતી. માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયા હતાં. તાત્કાલિક તેમને બારડોલીમાં આવેલ સરદાર સ્મારક હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે તેમને નવસારીમાં આવેલ યશફીન હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન C.T સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ થયું હોવાનું બહાર આવ્યું હતું.
ત્યારબાદ ૧૦ ડિસેમ્બરના રોજ ન્યુરો સર્જન ડો. પ્રશાંત પટેલ અને ડો. અરવિંદખરાએ ભોગીલાલભાઈને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતાં. યશફીન હોસ્પીટલના મેડીકલ સુપ્રિટેન્ડેટ ડૉ. ફૈઝલ ભૂરાએ ડોનેટ લાઈફના પ્રમુખ નીલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી ભોગીલાલના બ્રેનડેડ અંગેની માહિતી આપી.
ડોનેટ લાઈફની ટીમે નવસારીમાં આવેલ યશફીન હોસ્પીટલ પહોંચી ભોગીલાલભાઈના ભાઈ વિજય અને નીલેશભાઈ, ભત્રીજાઓ અંકિત અને મિરલ તથા પરીવારના અન્ય સભ્યોને ઓર્ગન ડોનેશનની જાણકારી આપી અંગદાનનું મહત્વ સમજાવ્યું.
પરિવારજનોએ જણાવ્યું કે અમારા મિત્ર ભરત બોદાલીયાના પત્ની ડૉ. કલ્પનાબેન સાથે ભોગીલાલભાઈના બ્રેઈનડેડ અંગેની અમે જયારે વાત કરી ત્યારે તેઓએ પણ અમને ઓર્ગન ડોનેશન કરવા જણાવ્યું હતું. પરિવારજનોએ જણાવ્યું કે અમારું સ્વજન બ્રેનડેડ છે, અને તેમનું મૃત્યુ નિશ્વિત છે ત્યારે તેઓના અંગોનું દાન કરાવીને કિડની અને લીવર ફેલ્યોરના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે અમે તૈયાર છીએ.
અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડો. મિતુલશાહ અને તેમની ટીમે આવી બે કિડની અને લીવરનું દાન સ્વીકાર્યું હતું.
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કચ્છના રહેવાસી નારાયણ નાનીકરામ તુલ્સીયાની ઉ.વ. ૬૨માં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ખાતે ડો. પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. જયારે બંને કિડનીઓ રીસર્ચ માટે રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, સૂરત અને દક્ષિણ ગુજરાતમાંથી અત્યાર સુધીમાં બ્રેનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી નીલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફ દ્વારા કુલ ૨૮૧ કિડની, ૧૧૬ લીવર, ૬ પેન્ક્રીઆસ, ૨૧ હ્રદય અને ૨૩૦ ચક્ષુઓનો દાન મેળવીને ૬૫૧ વ્યક્તિઓને નવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.