LRD પેપર લીક મામલે વધુ એક મહત્વપૂર્ણ ખુલાસો

અમદાવાદઃ LRD પેપર લીક મામલે વધુ એક નવો ઘટસ્ફોટ થયો છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોલીસ લોકરક્ષક દળનું પેપર કર્ણાટકની એક પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયા બાદ સ્ટ્રોંગ રુમમાંથી ફૂટ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. પેપર જે પેકેટમાં પેક કરવામાં આવ્યા હતા તેને બ્લેડથી કાપીને અંદરથી પેપર કાઢવામાં આવ્યું અને ત્યારબાદ તેનો ફોટો પાડીને તે પેપર કોપી કરી લેવામાં આવ્યું હતું.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફોટો પાડનારા વ્યક્તિથી લઈને સ્ટ્રોંગરુમમાં પ્રવેશવાની વ્યવસ્થા કરનારા લોકોના લોકેશન ટ્રેસ કરી લેવામાં આવ્યા છે અને તે લોકોની ધરપકડ કરવા માટે ટીમ પણ મોકલી દેવામાં આવી છે. અશોક સાહુએ મધ્યપ્રદેશમાં પણ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પટાવાળાની ભરતીનું પેપર ફોડવામાં પણ આ જ મોડર એપરેન્ડીનો ઉપયોગ કર્યો હોવાની માહિતી સામે આવી છે

પ્રાપ્ત થતી વિગતો અનુસાર લોકરક્ષક દળની ભરતીનું પેપર કર્ણાટકની પ્રેસમાં છપાયું ત્યારથી જ પ્રોફેશનલ ગેંગ તેના પર બાજ નજર રાખીને બેઠી હતી. પેપર છપાઈને જ્યારે સ્ટ્રોંગ રુમમાં ગયું ત્યાં સુધીની પળેપળની માહિતી માટે રેકી કરવામાં આવી હતી. પેપર સ્ટ્રોંગ રુમમાં પહોંચતાની સાથે જ આ ગેંગ સક્રિય બની અને સ્ટ્રોંગ રુમમાં પ્રવેશ કરીને સીલ કરેલા પેકેટને પતરીથી કાપીને બહાર કાઢવામાં આવ્યું અને મોબાઈલમાં તેનો ફોટો પાડી લેવામાં આવ્યો હતો.

આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓના નામ અને લોકેશન ટ્રેસ કરી લેવામાં આવ્યા છે અને આવનારા થોડા સમયમાં તેમને પકડી લેવાશે તેવી માહિતી પણ પ્રાપ્ત થઈ છે.

મહત્વનું છે કે પેપર લીક કૌભાંડની તપાસ જે ટીમ કરી રહી છે તે ટીમે અત્યાર સુધી પકડેલા લોકોના મોબાઈલની ઝીણવટભરી તપાસ પણ કરવામાં આવી છે. સૂત્રધાર માનવામાં આવતા અશોક શાહુના મોબાઈલની તપાસ દરમિયાન હૈદરાબાદના કેટલાક લોકો સાથેના તેના સંપર્કો ખૂલ્યા છે. જે લોકોના સંપર્કો ખુલ્યા છે તેવા હૈદરાબાદના શંકાસ્પદ વ્યક્તિઓ પણ પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા છે કે કેમ તે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે.