નવી દિલ્હીઃ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના એક અહેવાલ અનુસાર વર્ષ 2019 થી 2035 સુધી જીડીપીની દ્રષ્ટિએ દુનિયાના ટોપ-10 વિકસતા શહેરોમાં ગુજરાતના સૂરત અને રાજકોટ શહેરનો સમાવેશ થાય છે.
સૂરતનું સ્થાન આ લિસ્ટમાં મોખરે છે. તો બીજી મહત્વની વાત એ છે કે વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વેબસાઈટ પર જણાવ્યા અનુસાર આ વર્ષો દરમિયાન સારો વિકાસ કરી રહેલા જે ટોપ-10 શહેરો છે તે શહેરો ભારતના જ છે. આ શહેરોમાં આગ્રા, બેંગ્લુરુ, હૈદરાબાદ, નાગપુર, તિરુચિરપલ્લી, ચેન્નઈ અને વિજયવાડાનો સમાવેશ થાય છે.
WEFના અહેવાલ અનુસાર સૂરત 2019થી 2035ના આગામી વર્ષોમાં વાર્ષિક 9.2%ના એવરેજ જીડીપી સાથે પ્રગતિ કરશે. તો રાજકોટ પણ આ લિસ્ટમાં 7માં સ્થાને રહીને 8.33% જીડીપી સાથે પ્રગતિ કરશે.
તો આ લિસ્ટમાં બીજા સ્થાને રહેલા શહેર આગ્રાનો જીડીપી ગ્રોથ 8.6% રહેશે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમના આ રિપોર્ટમાં દુનિયામાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં તમામ નંબર પર ભારતે બાજી મારી હોવાથી દુનિયાભરના તજજ્ઞો માની રહ્યાં છે કે આ દુનિયાની ઈકોનોમી પશ્ચિમથી પૂર્વ તરફ વળી રહી હોવાના સંકેત છે.