અમદાવાદઃ ઈલેક્શન પહેલા તાલાળા વિધાનસભાના કોંગ્રેસના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય ભગવાન બારડને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. આજે સુપ્રીમ કોર્ટે તાલાળા વિધાનસભાની પેટાચૂંટણી કરવા માટે ચૂંટણી પંચે બહાર પાડેલા જાહેરનામા પર સ્ટે ફરમાવ્યો છે અને પંચને નોટિસ આપી છે.
ગુજરાતમાં લોકસભાની સાથે સાથે તાલાળા, જામનગર ગ્રામ્ય, માણાવદર, ઉંઝા અને ધ્રાંગધ્રા એમ પાંચ બેઠક પર વિધાનસભા પેટા ચૂંટણી યોજાઈ રહી હતી, જેમાંથી હવે તાલાળા બેઠકની ચૂંટણી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.
કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનજી બારડને ખનીજ ચોરીના એક કેસમાં સ્થાનિક કોર્ટે કસુરવાર ઠેરવતા, ગઈ પાંચમી માર્ચે વિધાનસભાના સ્પીકરે તેમને વિધાનસભાના સભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા હતા. એ પછી ભગવાનજી બારડ હાઈકોર્ટમાં ગયા હતા, પરંતુ હાઈકોર્ટમાંથી એમને કોઈ રાહત મળી નહોતી.
ગુજરાત હાઈકોર્ટના સ્ટે બાદ ભાજપે ગઈકાલે રવિવારના રોજ તાલાળાની પેટાચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યો હતો. તાલાળા વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી માટે ભાજપે જશા બારડને ટિકીટ આપી છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ગુજરાત કોંગ્રેસને કામચલાઉ રાહત મળી છે. માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાના ભાજપ પ્રવેશ પછી આ વિસ્તારમાં મજબૂત આહીર સમાજના અગ્રણીની પક્ષને જરુર હતી અને પક્ષ આ માટે જુનાગઠ બેઠક માટે ભગવાનજી બારડને લોકસભાની ચૂંટણી લડાવા માટે પણ વિચારી રહ્યો હતો, જો કે આ નિર્ણય પહેલા જ પક્ષે ઉનાના ધારાસભ્ય, પુંજાભાઈ વંશને જૂનાગઢ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરી દીધા છે.