ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી દ્વારા ઉનાળુ વેકેશનને લઈને વિદ્યાર્થીઓ માટે ખાસ સમર સાયન્સ પ્રોગ્રામ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું 31 મે અને શુક્રવારે સફળ સમાપન થયું.
સમર સાયન્સ પ્રોગ્રામ 2024 અંતર્ગત મોડેલ0 રોકેટ્રી, મોબાઈલ એપ ડેવલપમેન્ટ, 3-D મોડેલિંગ એન્ડ પ્રિન્ટિંગ, મેથ્સ થ્રૂ ઓરિગામી, ફન ફિઝિક્સ, વન્ડર ઓફ કેમેસ્ટ્રી, ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ મેકિંગ: PCB ડિઝાઇન, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ- ટેકનોલોજી ઓન હોમ ઓટોમેશન, ટેલિસ્કોપ મેકિંગ તથા ડ્રોન એન્ડ એરોડાયનેમિક્સ જેવા વર્કશોપ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
વર્કશોપ માટે ભારતભરમાંથી જુદા જુદા નિષ્ણાતો અને શિક્ષકોને ગુજરાત સાયન્સ સિટી ખાતે બોલાવવામાં આવ્યા હતા. જેમણે વિદ્યાર્થીઓને ગમ્મત સાથે STEM ( સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ) વિષયક શિક્ષણ આપ્યું હતું. વર્કશોપ્સમાં સહભાગી વિદ્યાર્થીઓએ થીયરી ઉપરાંત વિવિધ વસ્તુઓ સાથે પ્રયોગો પણ કર્યા હતા.
મોડેલ રોકેટ્રી વર્કશોપમાં વિદ્યાર્થીઓને રોકેટ કઈ રીતે બનાવવામાં આવે છે તે શીખવાડીને ન્યૂટનના તથા બર્નોલીના સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા હતા. મોબાઈલ એપ ડેવલપમેન્ટ વર્કશોપમાં વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રકારની મોબાઈલ એપ્લિકેશન્સ કઈ રીતે બનાવવી અને તેમાં કઈ કઈ બાબતો ધ્યાને રાખવી તે સમજાવવામાં આવ્યું હતું. 3-D મોડેલિંગ એન્ડ પ્રિન્ટિંગ વર્કશોપમાં 3-D પેનનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓએ જાતે ચશ્મા, સાયકલ, વગેરે જેવી વિવિધ પ્રકારની 3-D વસ્તુઓ બનાવી હતી.
મેથ્સ થ્રૂ ઓરિગામી વર્કશોપમાં વિદ્યાર્થીઓએ રંગબેરંગી કાગળના ઉપયોગથી જુદા જુદા આકારના ક્યૂબ બનાવ્યા હતા. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને ગણિતના સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા હતા. ફન ફિઝિક્સના વર્કશોપમાં વિદ્યાર્થીઓએ જુદી જુદી વસ્તુઓના પ્રયોગ કરીને ફિઝિક્સના સિદ્ધાંતો વિશે શિક્ષણ મેળવ્યું હતું. વન્ડર ઓફ કેમિસ્ટ્રી વર્કશોપમાં વિદ્યાર્થીઓને જુદા જુદા રસાયણની વિશેષતાઓ વિશે અને બે રસાયણો ભેગા થવાથી થતા રાસાયણિક ફેરફારો વિશે શિક્ષણ આપવામાં આવ્યું હતું.
ઈલેક્ટ્રોનિક્સ સર્કિટ મેકિંગના વર્કશોપમાં વિદ્યાર્થીઓએ ડાયોડ, કેપેસીટર અને ટ્રાન્સફોર્મરની મદદથી AC વોલ્ટને DC વોલ્ટમાં પરિવર્તિત કરી શકાય તેવી PCB સર્કિટ બનાવી હતી. ઈન્ટરનેટ ઓફ થિંગ્સ ટેક્નોલોજી ઓન હોમ ઓટોમેશનના વર્કશોપમાં જુદા જુદા પ્રકારના સેન્સરથી બનેલી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો ઉપયોગ કઈ જગ્યાએ અને કઈ રીતે થાય છે તે સમજાવવામાં આવ્યું હતું. ટેલિસ્કોપ મેકિંગના વર્કશોપમાં વિદ્યાર્થીઓને ટેલિસ્કોપ કઈ રીતે બનાવવું અને તે ક્યા સિદ્ધાંતને આધારે કામ કરે છે તે શીખવાડવામાં આવ્યું હતું. ડ્રોન એન્ડ એરોડાયનેમિક્સ વર્કશોપમાં ડ્રોન ક્યા સિદ્ધાંત પર કામ કરે છે અને તેને કઈ રીતે ઉડાડવું તે સમજાવવામાં આવ્યું હતું. દરેક વર્કશોપમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વેકેશનની રજાઓ દરમિયાન વિદ્યાર્થીઓ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા વિજ્ઞાનને સરળતાથી સમજી શકે અને કંઈક નવું શીખી શકે તે માટે આ ‘સમર સાયન્સ પ્રોગ્રામ-2024’નું આયોજન કરવામાં આવ્યું હતું. સહભાગી વિદ્યાર્થીઓને એક્વેટિક ગેલેરી અને રોબોટિક્સ ગેલેરી સહિતની વિવિધ ગેલેરીઓની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ કેળવાય તે હેતુથી ગુજરાત સાયન્સ સિટી દ્વારા અવારનવાર આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે.