શિક્ષકની બદલી રોકવા શાળાના વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર બેઠાં

અમદાવાદઃ પોતાના શિક્ષકની બદલીને રોકવા એક શાળાના વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર બેસવાના મામલાએ શિક્ષણ વિભાગને મૂંઝવણમાં મૂકી દીધો છે. રાણપુરની શાળા 900 જેટલા વિદ્યાર્થીઓ તેમના એક શિક્ષકની બદલી રદ કરાવવાની માગણી સાથે ભૂખ હડતાળ પર બેઠાં છે.

વાત છે રાણપુરમાં આવેલી ધી જન્મભૂમિ હાઈસ્કુલની. આ શાળાના એક શિક્ષક વનરાજસિંહની બદલી થઈ છે અને આ બદલીને રોકવા માટે શાળા વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતરી ગયાં છે. શિક્ષકને પોતાના જ ગામમાં આચાર્યની પોસ્ટ પર બઢતી મળતી હોવાના કારણે તેઓ પોતાના ગામ જઈ રહ્યાં છે. શાળાના વિદ્યાર્થીઓએ આનો વિરોધ કર્યો હતો અને ભૂખ હડતાળ પર ઉતરી ગયા હતા અને વનરાજસિંહ નામના આ શિક્ષકની બદલી ન થાય તેવી માગણી કરી હતી. વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર જ હાથમાં પ્લેકાર્ડ લઈને ભૂખ હડતાળ પર બેસી ગયાં છે અને સાથે જ શિક્ષકની બદલી ન કરવા તેઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

આ મામલે એક વિદ્યાર્થિનીએ જણાવ્યું કે વનરાજસિંહ ચાવડા અહીં વર્ષોથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેમની બદલી જો નહી રોકવામાં આવે તો ગુરુવાર સુધી શાળા નહીં ખોલવામાં આવે તેમજ શૈક્ષણિક કાર્ય પણ બંધ રાખવામાં આવશે.

વનરાજસિંહ નામના આ શિક્ષકની બદલી થઈ હોવાની જ્યારે બાળકોને ખબર પડી ત્યારે અનેક બાળકો રડી પડ્યાં હતા. શાળાના 900 જેટલા બાળકોએ શિક્ષકની બદલીના વિરોધમાં જબતક સૂરજ ચાંદ રહેગા, વનરાજ સરકા નામ રહેગા  અને નહીં ચલેગી નહીં ચલેગી કિસી કી દાદાગીરી નહીં ચલેગી જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે સમગ્ર મામલે વનરાજસિંહે બાળકોને સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ બાળકો શિક્ષકની બદલી ન કરવાની પોતાની માગ પર અડગ રહ્યાં હતાં.