સુરત: આગામી દિવસોમાં ચંદની પડવાના તહેવારમાં મોટા પ્રમાણમાં ધારી બનશે તેથી ઘારી બનાવવા ઉપયોગમાં આવતા માવાના સેમ્પલ પાલિકાના ફૂડ વિભાગે લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આ પહેલાં ફુડ વિભાગે સુરત શહેરમાં દશેરામાં વેચાણ થતી ફાફડા અને જલેબીના સેમ્પલ લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેનો રિપોર્ટ હજી આવ્યો નથી.
નોંધનીય છે કે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તહેવારોની સિઝનને ધ્યાને રાખી સુરત શહેરનું ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. સુરત શહેરમાં ફૂડ વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ મિઠાઇની દુકાનમાંથી ઘારી, કાજૂકતરી, પૈંડા સહિતના નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગતરોજ દુધના માવાના નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જયારે આજે ઘારી વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરીને નમુના લેવાની કામગીરી હાલ ચાલી રહી છે. તહેવારોની સિઝનમાં ઘારીનું ખુબ વેચાણ થતું હોય છે. આજે ચંદી પડવાના તહેવારોને ધ્યાને લઈને ઘારી વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરીને નમુના લેવાની કામગીરી હાથ ધરી હતી. ફૂડ સેફટી ઓફિસરોએ અલગ અલગ ટીમો બનાવીને ઘારી વિક્રેતાઓને ત્યાં આજે તપાસ હાથ ધરી હતી અને નમુના લઈને પુથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. અલગ અલગ ટીમો બનાવીને આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને રીપોર્ટમાં કોઈ ખામી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.