દિવાળી માટે એસટી નિગમ આપશે વધારાની 8340 બસોની સેવા

અમદાવાદ: દિવાળીને લઈ ચારે તરફ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. તહેવાર નિમિત્તે લોકો પોતાના માદરે વતન પરત ફરતા હોય છે. અને પરિણામે શહેરોની રેલ્વે તથા બસ સ્ટેશન પર યાત્રીઓની ભારે ભીડ જોવા મળતી હોય છે. એવા એસટી નિગમ દિવાળીના તહેવારને લઈને સજ્જ છે. મુસાફરોને સુવિધા માટે બસની 8340 ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરશે. જેનું એસટી નિગમની વેબ સાઈટ પર ઓનલાઈન અને કરંટ બુકિંગ કરી શકશે. એડવાન્સ બુકિંગના કારણે ટ્રેન અને બસમાં ફુલ બુકિંગ થઈ જાય છે.

તહેવારો નિમિત્તે ખાનગી બસના ભાડેમાં બે ગણો વધારો થઈ જતો હોય છે. ત્યારે પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા દિવાળીની તહેવારને લઈ વધારાની બસો દોડાવશે. સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર એસટી નિગમ દ્વારા રોજના 8 હજારથી વધુ બસોના કાફલા સાથે 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 25 લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડે છે. તેમજ તહેવારો તેમજ ધાર્મિક મેળાઓમાં વધારાની એસટી બસ દોડાવી વિશેષ સુવિધા પૂરી પાડે છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, જિલ્લામાંથી મોટી સંખ્યામાં સુરતમાં વ્યવસાય અર્થે સ્થાયી થયેલા છે. જેઓ દિવાળીના તહેવારોમાં પોતાના વતન જતા હોય છે. જેને લઈ એસટી નિગમ દ્વારા પણ સુરતથી ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરત એસ ટી નિગમ દ્વારા 26થી 30 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર તરફ 2200 એક્ટ્રા બસોનું સંચાલન કરશે. તેમજ રાજ્ય ભરના વિવિધ રૂટો ઉપર એક્સ્ટ્રા સર્વિસોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. એસટી નિગમની વેબસાઈટ www.gsrtc.in પરથી મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગ કરી શકશે. ચાલુ વર્ષે સુરતથી 2200 બસો, દક્ષિણ મધ્ય ગુજરાતમાંથી 2900 બસો, સૌરાષ્ટ્ર કચ્છ માથી 2150 બસો અને ઉત્તર ગુજરાતમાંથી 1090 જેટલી બસો, કુલ 8340 ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.