અમદાવાદઃ શહેરનાં બજારોમાં હોળી-ધુળેટીના તહેવારને ઊજવવાની સામગ્રીનું દરેક વિસ્તારોમાં ભરપૂર વેચાણ થઈ રહ્યું છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં શહેરની મધ્યમાં જે જૂના હોલસેલ બજાર કરતાં પણ આધુનિક, નવી વરાઇટી મળી રહી છે. આ વર્ષે ઇકોફ્રેન્ડલી કલર, પિચકારીઓની વિવિધ સાઇઝ અને ડિઝાઇન બજારમાં આવી ગઇ છે, પરંતુ મોંધવારી સતત વધતા ભાવને કારણે હોલસેલમાં તેજી છે, છૂટક વેપારમાં તેજીનો અભાવ જોવા મળે છે.
શહેરની લારીઓ, સિઝનેબલ મંડપો, દુકાનોમાં છોટા ભીમ, સુપરમેન, સ્પાઇડરમેન અને જાણીતા ક્રિકેટરોના સ્ટિકર સાથે અનેક ડિઝાઇનમાં પિચકારીઓ આવી ગઈ છે. રૂપિયા 30થી માંડી રૂ. 1500 સુધીની પિચકારીઓ મનોરંજન માટે બજારમાં ઉપલબ્ધ છે. વિવિધ રંગોના પેકેટ, પ્રાકૃતિક રંગો અને ફુગ્ગાના પેકેટ બજારમાં ઉપલબ્ધ છે. લગ્ન જેવા પ્રસંગોમાં ફૂટતા કલર ફૂલ ફટાકડાની આઇટમ તેમ જ બંદૂકમાંથી નીકળતા કલર આ વર્ષે બજારમાં નવા સ્વરૂપે આવી ગયા છે. બંદૂકના ધડાકા સાથે ફૂટતા અને ઊડતા કલરથી રંગરસિયા મોજમસ્તીમાં આવી જાય છે.
તમામ તહેવારો અને ઉત્સવોમાં જગ્યા રાખી વેપાર કરતાં હર્ષદ પટણી ચિત્રલેખા.કોમને કહે છે આ વર્ષે વેપારીઓના મંડપ, લારીઓ ઓછાં છે. મોંઘવારીને કારણે વસ્તુઓનું વેચાણ ઓછું થવાનો છૂટક વેપારીઓમાં ભય છે. એટલે આ વર્ષે રંગોત્સવ અત્યારે ફિક્કો લાગે છે. શહેરના જુદાં-જુદાં બજારમાં ધાણી, મમરા, ખજૂર અને હાયડા જેવી હોળીની ખાદ્યસામગ્રીનું વેચાણ શરૂ થઈ ગયું છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)