બાંધકામ મજૂરોની સલામતી માટે બાઇક રેલી

અમદાવાદઃ બાંધકામ સંકલન સમિતિ દ્વારા આજે ચોથી માર્ચે રાષ્ટ્રીય સલામતી દિવસે સવારે ૯.૩૦ વાગ્યે ગાંધી આશ્રમથી કાઢવામાં આવેલી બાઇક રેલીને અન્ય જાણીતા કામદાર આગેવાનો સાથે લીલી ઝંડી બતાવીને રવાના કરી. આજના દિવસે ૧૯૬૬માં નેશનલ સેફ્ટી કાઉન્સિલની સ્થાપના ભારત સરકાર દ્વારા થઈ હતી તેથી આજે રાષ્ટ્રીય સલામતી દિવસ દર વર્ષે ઊજવવામાં આવે છે.

દેશનાં વિવિધ કારખાનાંમાં અને મોટી કન્સ્ટ્રક્શન કંપનીઓ દ્વારા થતા બાંધકામમાં પ્રાણઘાતક અકસ્માતોમાં અનેક કામદારો ઇજાગ્રસ્ત થાય છે અથવા મોત થાય છે. દેશમાં દરરોજ ૩૮ અને ગુજરાતમાં સરેરાશ દર અઠવાડિયે એક બાંધકામ કામદાર આવા અકસ્માતમાં મૃત્યુ પામે છે. અમદાવાદમાં ૨૦૨૧માં ૪૫ કામદારો મૃત્યુ પામ્યા હતા. ગયા સપ્ટેમ્બરમાં અમદાવાદમાં એસ્પાયર-૭ની દુર્ઘટનામાં એકસાથે સાત બાંધકામ કામદારો કામ કરતાં નીચે પટકાયા અને મૃત્યુ પામ્યા હતા. વિકાસની લાયમાં કામદારોની જિંદગી સસ્તી ગણાય છે.

દરેક અકસ્માત અટકાવી શકાય તેવા હોય છે, પણ એને માટે સંકલિત પ્રયાસો થતા નથી. અકસ્માત અટકાવવા માટે કામના સ્થળને સલામત બનાવવું જરૂરી છે. લગભગ ૫૦ કામદારોની આ રેલી ગાંધી આશ્રમથી શરૂ થઈ અને અખબારનગર કડિયા નાકા થઈને ન્યુ રાણીપ, ગોતા, ત્રાગડ થઈને વૈષ્ણોદેવી ચોકડી સુધી ગઈ અને રસ્તામાં ૩૫ જેટલા નાકા પર ફરી.

બાંધકામ શ્રમિક સંકલન સમિતિના વિપુલ પંડ્યા, રમેશ શ્રીવાસ્તવ અને મહેશ ગજેરા દ્વારા રેલી કાઢીને બિલ્ડરો, કોન્ટ્રેક્ટરો અને કામદારો તથા સરકાર સૌને જાગ્રત કરવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો.