અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ ગાદીના પાંચમા વારસદાર અને પ્રેરણામૂર્તિ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય આશીર્વાદથી પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં મણિનગરસ્થિત સ્વામિનારાયણ મંદિરમાં 19થી 25 સપ્ટેમ્બરમાં ‘શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. સનાતન વૈદિક ધર્મના ઉત્કર્ષ માટે એક સપ્તાહ ચાલનારા આ મહોત્સવમાં અનેક વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો શુભારંભ રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા થશે.
આ મહોત્સવમાં વિશ્વ પ્રસિદ્ધ મુક્તજીવન સ્વામિબાપા સ્કોટિશ પાઇપ બેન્ડ-લંડન, બોલ્ટન, કેન્યા, અમેરિકા તથા ભારતની ઉપસ્થિતિ નગરયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ મહોત્સવમાં વ્યસનમુક્તિ શિબિર, પર્યાવરણ રક્ષણ શિબિર, સંત–વિદ્વત્તા સંમેલન અને સંસ્કાર શિક્ષણ શિબિર વગેરે જેવા કાર્યક્રમો પણ યોજાશે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં વિવિધ સદ્ ગ્રંથોની પારાયણોના મહોત્સવનો પ્રારંભ થશે તેમ જ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પોથીયાત્રા યોજાશે. આ ઉપરાંત મહિલા ઉત્કર્ષ શિબિર અને રાત્રે સંતો-ભક્તોના ભક્તિ સંગીતના કાર્યક્રમો પણ યોજાશે.
20-21 સપ્ટેમ્બરે સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા અબજી બાપાની વાતોની સમૂહ પારાયણોનું વાચન થશે અને સાંજે મહિલા ઉત્કર્ષ શિબિર તથા રાત્રે સંતો અને ગુજરાતનાં નામાંકિત કલાકારો દ્વારા ભક્તિ-રાસ જેવા કાર્યક્રમો યોજાશે. 22 સપ્ટેમ્બરે સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા અબજી બાપાની વાતોની સમૂહ પારાયણોનું વાચન, સાંજે મહિલા ઉત્કર્ષ શિબિર અને રાત્રે સ્વામિનારાયણ ગાદી ગ્રંથ એપિસોડ નાટક યોજાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવમાં વર્ચ્યુઅલ સંબોધન કરે તેવી શક્યતા છે. 23 સપ્ટેમ્બરે સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા અબજી બાપાની વાતોનું સમૂહ પારાયણનું વાચન થશે. આ દિવસે સાંજે મહિલા ઉત્કર્ષ શિબિર અને રાત્રે ભક્તિ સંગીત કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગાદી મહિમાનાં કીર્તનોનું ગાન સંતો અને નામાંકિત કલાકારો કરશે.
24 સપ્ટેમ્બરે સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવમાં મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર પાટોત્સવ, સ્વામિનારાય ગાદી ગ્રંથ તથા અબજીબાપાની વાતોની સમૂહ પારાયણોનું વાચન થશે. સાંજે કાંકરિયાથી ભવ્યાતિભવ્ય નગરયાત્રાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવમાં યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દેશના વિવિધ ભાગોમાંથી હરિભક્તોનો વિશાળ સમૂહ પણ ઉપસ્થિત રહેશે. 25 સપ્ટેમ્બરે મહોત્સવના સમાપન દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.