કલાયમેટ ચેન્જઃ યુવા જાગૃતિ પખવાડિયાનો પ્રારંભ

ગાંધીનગરઃ દેશના અમૃતકાળમાં વડા પ્રધાન મોદીએ આપેલા પાંચ સંકલ્પોમાંનો એક સંકલ્પ- વિકસિત ભારતના નિર્માણ માટે આવનારી પેઢીને શુદ્ધ હવા, પાણી, ખોરાક અને પર્યાવરણ પૂરું પાડવાની જવાબદારી સૌ સાથે મળીને અદા કરીએ. આ ઉપરાંત યુવાશક્તિની ભાગીદારી કલાયમેટ ચેન્જના પડકારો નાથવામાં સૌથી અગત્યનું પરિબળ બનશે અને રાજ્યમાં ઊજવાઈ રહેલું પંચામૃત પખવાડિયું એ દિશામાં ઉદ્દીપક બનશે એવો વિશ્વાસ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો.

તેમણે કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત યુવા જાગૃતિ પખવાડિયાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વાતાવરણના ફેરફાર-જલવાયુ પરિવર્તનની અસરો નિવારવા લોકજાગૃતિ ફેલાવવામાં યુવાશક્તિ અગ્રેસર બને એ સમયની માગ છે.

તેમણે કહ્યું હતું કે હાલની સરકારે પણ વડા પ્રધાને નાખેલા વિકાસના મજબૂત પાયાને આધારે રોડ, રસ્તા, લાઇટ, પાણીની સુવિધા આપી છે અને પર્યાવરણ જાળવણી સાથે કલાયમેટ ચેન્જની સમસ્યા દૂર કરવાના ઉપાયો સફળતાપૂર્વક પાર પાડ્યા છે.તેમણે ઋતુચક્ર, વાતાવરણમાં થઈ રહેલા ઝડપી બદલાવ અને ફેરફાર નિવારવા તથા કાર્બન ઉત્સર્જન ઘટાડવા જેવા પર્યાવરણીય ઉપાયો તરીકે ગ્રીન કલીન સૌર ઊર્જાનો વધુ ને વધુ ઉપયોગ, રાસાયણમુકત પ્રાકૃતિક ખેતી માટે પણ સજાગ થવાની આવશ્યકતા સમજાવી હતી.

તેમની ઉપસ્થિતિમાં રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, એમ.એસ.યુનિવર્સિટી વડોદરા તથા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન વચ્ચે ત્રણ MoU થયા હતા.

આ MoU અનુસાર રાજ્યમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ સાથે, કલાયમેટ ચેન્જ વિષયમાં રિસર્ચ એન્ડ ઇનોવેશન માટે એમ.એસ.યુનિવર્સિટી સાથે તેમ જ શિક્ષકોને કલાયમેટ ચેન્જ વિષયની તાલીમ માટે IITE સાથેના MoU પરસ્પર એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. આ સંદર્ભે સૂર્ય ઊર્જા ક્ષેત્રે સોલાર રૂફ ટોપમાં સબસિડી માટે રૂ. ૨૦૬ કરોડનો ચેક મુખ્ય મંત્રીને હસ્તે GUVNLને અર્પણ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સરકારી બિલ્ડિંગ રૂફટોપ સોલર સિસ્ટમનું ઉદઘાટન, ગૌશાળા પાંજરાપોળ આધારિત બાયોગેસ પ્લાન્ટ માટે સબસિડીનું વિતરણ, બેટરી સંચાલિત ટૂ વ્હીલર વાહનોની સબસિડીનું વિતરણ અને પ્લાસ્ટિક કચરાના સંગ્રહ માટે સખીમંડળની બહેનોને સબસિડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.