અમરેલીના બગસરામાં માનવભક્ષી દીપડાને ખતમ કરવા શૂટ-એટ-સાઈટનો આદેશ

અમરેલી – છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતના અમરેલી જિલ્લામાં બે જણનું ભક્ષણ કરી જનાર ખૂંખાર દીપડાને દેખતો જ ઠાર મારવા માટે જંગલ વિભાગે શૂટ-એટ-સાઈટનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના વિસાવદર, ધારી અને બગસરામાં નરભક્ષી દીપડાએ છેલ્લા અમુક દિવસોથી ભારે આતંક મચાવ્યો છે. બે જણનો શિકાર કરવા ઉપરાંત એણે એક સ્ત્રીને જખ્મી પણ કરી છે.

એનો આ આતંક રોકવા માટે વન વિભાગે હવે જડબેસલાક એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

રહેવાસીઓને સાંજે 7 પછી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

ગયા ગુરુવારે દીપડાએ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામમાં વજુ બોરાડ નામના રહેવાસીને મારી નાખ્યો હતો. તે પછીના દિવસે દીપડાએ એ જ ગામના એક અન્ય રહેવાસીને જખ્મી કર્યો હતો.

ગઈ કાલે શનિવારે, મુંજિયાસર ગામમાં જ દીપડાએ વહેલી સવારે 3.15 વાગ્યે એક ખેતમજૂર પર હુમલો કર્યો હતો. ઈજાને કારણે ખેતમજૂરનું બાદમાં મૃત્યુ થયું હતું. મજૂર રાજસ્થાનનો વતની હતો.

અમરેલીમાં વન વિભાગના અધિકારીઓએ પત્રકારોને જણાવ્યું છે કે જૂનાગઢ, અમરેલી અને ગાંધીનગર જિલ્લાઓના વન વિભાગના અધિકારીઓની ટૂકડીઓ દીપડાને પકડવા માટે સાથે મળીને કામ કરશે.

આ અધિકારીઓએ દીપડાને પકડવા માટે 30 પાંજરા બનાવ્યા છે અને દીપડો જો હાથમાં ન આવે તો એને ઠાર મારવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. એ માટે શાર્પ શૂટરોની એક ટૂકડીને પણ તહેનાત કરવામાં આવી છે.

અમરેલીના બગસરા પંથકમાં કલમ 144 લાગુ

દીપડાના આતંકને કારણે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટે બગસરા તાલુકામાં કલમ 144 લાગુ કરી દીધી છે. તારીખ 8થી તારીખ 15 ડિસેંબર સુધી આ 144મી કલમ લાગુ રહેશે.

આ દિવસો દરમિયાન સૂર્યાસ્ત થાય એના 3 કલાક પહેલાં 5થી વધારે માણસોએ ભેગા થવા પર મનાઈ રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનારા સામે પોલીસ ફરિયાદ નોંધશે.