અમદાવાદ: ગઈકાલે ટ્રાફિક જવાનોની પોતાની પડતર માગોને લઈ હડતાલ પર ઉતાર્યા છે. ટ્રાફિકથી ધમધમતા અમદાવાદમાં ફિક્સ નોકરી અને પગાવ વધારની માગને લઈને TRB જવાનો હડતાળ પર ઉતર્યા છે. નવરાત્રિના સમયે જ TRB જવાનો આંદોલન કરતા રાત્રિના સમયે ગરબે રમવા જતાં લોકોને ટ્રાફિકમાં અટવાવાનો વખત આવી શકે છે. ટીઆરબી જવાન હોય ત્યારે પોલીસની કામગીરીમાં ખૂબ જ મદદ થતી હોય છે. પરંતુ અત્યારે ટીઆરબી જવાનો હડતાલ પર હોવાથી પોલીસ પર કામનું ભારણ વધ્યું છે. શહેરના સૌથી વધુ ટ્રાફિક ધરાવતા 8 સ્પોટ વાહનચાલકો માટે મહાભારતના ચક્રવ્યુ સમાન થશે.
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ટીઆરબી જવાનો ભેગા થઇને હડતાળ પર બેઠા છે. અગાઉ પણ TRB જવાનોએ પગાર વધારાની માગ કરતાં અનેક કર્મચારીઓને છૂટા કરવાની ચીમકી અપાઇ હતી. જો કે, ચૂંટણી સમયે TRB જવાનોને પગાર વધારો આપવાનો પણ વાયદો કરાયો હતો. સમગ્ર વિવાદને એક વર્ષ થવા છતાં પણ પગાર વધારો ન કરાતાં આખરે TRB જવાનોએ ફરી ઉગ્ર આંદોલન અને હડતાળ યોજવાનું આયોજન કર્યું છે. TRB જવાનોને રોજના રૂપિયા 300 લેખે મળતા પગારની સામે રૂપિયા 500 પગાર ચૂકવવાની માંગ કરવામાં આવી રહી છે. તેમજ મેડિકલ અને સરકારી કર્મચારીઓને મળતા લાભો આપવાની માંગ કરવામાં આવી છે. આગામી સમયમાં અમદાવાદના 1600 TRB જવાનો સહિત રાજ્યભરના 10 હજાર જેટલા TRB જવાનો ટ્રાફિક પોઇન્ટ પર ઊભા નહીં રહે, જેથી ઠેર-ઠેર ટ્રાફિકની સમસ્યા સર્જાવાની શક્યતા રહેલી છે.
અમદાવાદ શહેરમાં સાંજથી જ નવરાત્રિના કારણે પશ્ચિમ વિસ્તારમાં ખૂબ જ લાંબો ટ્રાફિક જામ સર્જાય છે. પોલીસની હાજરી હોવા છતાં ખૂબ જ લાંબો ટ્રાફિક થાય છે. એક તરફ ટીઆરબી જવાનો પોતાની ફિક્સ નોકરી અને પગાર વધારાની લઈને હડતાળ પણ ઉતરે છે. બીજી તરફ ટ્રાફિક જામના કારણે માત્ર પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનોએ ટ્રાફિકનું નિરાકરણ કરાવવું પડી રહ્યું છે, જેને લઈને પોલીસ માટે પણ એક સમસ્યા ઊભી થઈ છે. ટીઆરબી જવાન હોય તો અલગ-અલગ પોઇન્ટ પર પોલીસને પણ ટ્રાફિકની કામગીરી હળવી કરવામાં મદદ મળી શકે છે. પરંતુ ટીઆરબી જવાનોની હડતાલને લઈને પોલીસ ઉપર પણ કામનું ભારણ વધ્યું છે.