સી પ્લેનનો સામાન સાબરમતી રિવરફ્રન્ટ પહોંચ્યો

અમદાવાદઃ રાજ્યમાં પ્રવાસનને વેગ મળે એ માટે 31 ઓક્ટોબરથી ગુજરાતમાં સી પ્લેન સેવાનો પ્રારંભ થવાનો છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની (સ્ટેચ્યુ ઓફ યુનિટી) વચ્ચે સી પ્લેન શરૂ થશે. આ સી પ્લેન માટે સાબરમતી રિવરફ્રન્ટ પર સી પ્લેન માટેની જેટી તૈયાર કરવાનો સામાન વિશાળ ટ્રકોમાં આવી ગયો છે.

શહેરના સરદાર બ્રિજ નીચે NID તરફના રિવરફ્રન્ટ પર શનિવારે છ ટ્રકોમાં સી પ્લેનની જેટીનો સામાન આવી ગયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે સી પ્લેન એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આગામી દિવસોમાં ગુજરાતમાં સી પ્લેન ઊડાઊડ કરશે. ભૂતકાળમાં ચૂંટણી ટાણે સાબરમતી નદી પરથી સી પ્લેન ઉડાડવામાં આવ્યું હતું. ભવિષ્યમાં પર્યટન ક્ષેત્રે સી પ્લેન નવું નજરાણું બની રહેશે.

દેશમાં સી પ્લેન માટે કુલ 16 રૂટ નક્કી કરવામાં આવ્યાં

વિદેશમાં તો સી પ્લેનનો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે ભારતમાં  સી-પ્લેનનો ઉપયોગ થાય એ માટે કેન્દ્ર સરકારે દિશા-નિર્દેશ આપ્યા છે જેના ભાગરૂપે દેશમાં સી પ્લેન માટે કુલ 16 રૂટ નક્કી કરવામાં આવ્યાં છે જેમાં પ્રથમ તબક્કામાં ગુજરાતમાં માત્ર એક જ રૂટ પર સી પ્લેન શરૂ કરવા નક્કી કરવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)