ગુજરાતના જુનાગઢમાં બેરોજગાર યુવાનોને નોકરીની લાલચ આપી નકલી આર્મી કેપ્ટન દ્વારા છેતરપિંડી કરવાના કિસ્સો બહાર આવ્યો છે. આ ઘટનામાં પ્રવીણ સોલંકી નામના યુવકે આર્મીના કેપ્ટન તરીકે નકલી ઓળખ આપી હતી અને અનેક યુવાનોને નોકરી અપાવવાની આશા આપીને લાખો રૂપિયા પડાવી લીધા છે.
આ કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો, જ્યારે જૂનાગઢના દિવ્યેશ નામના યુવકે પંજાબ તરફની ટ્રેનમાં પ્રવીણ સોલંકીને આર્મી કેપ્ટનના યુનિફોર્મમાં જોયો. પોતાની ઓળખને મજબૂત કરવા માટે, પ્રવીણે પોતાના આર્મીના ડ્રેસમાં ફોટા, નકલી પગાર સ્લિપ અને આર્મીનો આઈકાર્ડ બતાવવાનું શરૂ કર્યું. પ્રવીણે દિવ્યેશને દિલ્હી NSAમાં ફરજ બજાવતો હોવાનો દાવો કર્યો અને રેલવેમાં લોકો-પાયલટની નોકરી અપાવવાની લાલચ આપી.
પ્રવીણે આ નકલી ઓળખનો લાભ ઉઠાવી દિવ્યેશ પાસેથી ગુગલ પે મારફતે તબક્કાવાર ત્રણ લાખથી વધુની રકમ પડાવી લીધી. કટકે કટકે રકમ લેતા અંતે દિવ્યેશને પ્રવીણની વાતોમાં શંકા થઈ અને તેણે પોલીસનો સંપર્ક કર્યો. જુનાગઢ બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. અને નકલી કેપ્ટન પ્રવીણ સોલંકીની ધરપકડ કરી છે.
પોલીસની તપાસમાં ખુલ્યું છે કે પ્રવીણ સોલંકી માત્ર દિવ્યેશ જ નહીં, પરંતુ માંગરોળ, કેશોદ, માણાવદર જેવા વિસ્તારના આઠથી દસ જેટલા યુવાનોને પણ આ જ રીતે નોકરીની લાલચ આપીને છેતર્યો હતો. અંદાજે દસ લાખથી વધુ રકમ અલગ અલગ યુવાનો પાસેથી પડાવી છે.આ ઘટના એ બેરોજગાર યુવાનો માટે એક ચેતવણી રૂપ છે જે નોકરીની લાલચમાં આવીને અજાણ્યા લોકોની વાતોમાં આવી જાય છે. પોલીસનું અનુમાન છે કે આ નકલી આર્મી કેપ્ટનના અન્ય છેતરપિંડીના કિસ્સા હજુ સામે આવી શકે છે.