બારડોલીની સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટી દ્વારા અનોખી પહેલ

અમદાવાદઃ યુરોપીયન યુનિયન મેરીટાઇમ એજ્યુકેશન ક્ષેત્રે ડિપ્લોમા અને ડિગ્રીના કોર્સિસ માટે જગવિખ્યાત છે. આ ક્ષેત્રમાં લગભગ ૮૫ ટકા રોજગારી યુરોપીયન ફ્લેગશીપ દ્વારા ૨૭ જેટલા યુરોપીયન દેશોમાં આપવામાં આવે છે. આ ઉપરાંત યુરોપીયન ફ્લેગશીપ પાસે અત્યાધુનિક ચોથી  અને પાંચમી જનરેશનની ટેક્નોલોજી ધરાવતી ફૂલ્લી ઓટોમેટિક શીપ છે. જે ખૂબ જ ઝડપથી છઠ્ઠી-જનરેશનની ટેક્નોલોજી તરફ આગળ વધી રહી છે. જ્યારે ભારતની ફ્લેગશીપ પાસે આજે પણ ૨૦ વર્ષ જૂની અને ત્રીજા જનરેશનની ટેક્નોલોજી ધરાવતી શીપ છે. ભારતની મેરીટાઇમ યુનિવર્સિટી અને કોલેજો પણ આ અધ્યતન ટેક્નોલોજીથી અપડેટ ન હોવાને કારણે અહી અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓને હજુ સુધી પાંચમી અને છઠ્ઠી જનરેશનની દરિયાઈ ક્ષમતાઓ માટેની ટ્રેનિંગ આપવામાં આવતી નથી. જેના કારણે આપણા વિધ્યાર્થીઓ બહારના દેશોમાં પ્રાપ્ત નોકરીઓમાં માત્ર ૭ ટકાનો હિસ્સો ધરાવે છે, જે ખરેખર ખૂબ ઓછો છે. પરિણામે આપણા દેશના આ ક્ષેત્રમાં ડિપ્લોમા અને ડિગ્રી ધરાવતા વિધ્યાર્થીઓને બહારના દેશોમાં નોકરી કરવાની તકો પણ ઘટી રહી છે.

આ અંતરને દૂર કરવા માટે ગુજરાત રાજ્યના બારડોલીની સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટી અને તેની સંલગ્ન કોલેજ આર.એન.જી. પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલૉજી કોલેજ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા યુરોપના સ્વીડન નજીકના લેટવીયા દેશની ખ્યાતનામ ઇન્સ્ટિટ્યુટ ઓફ ક્વાનટમ મિકેનીકસ એન્ડ સ્ટ્રેટેજીક સ્ટડીઝ કોલેજ સાથે મેરીટાઇમના સ્પેશિયલ ડિપ્લોમા ઇન મેરીટાઇમ ટ્રાન્સપોર્ટ – નેવીગેશન અને ડિપ્લોમા ઇન મેરીટાઇમ ટ્રાન્સપોર્ટ – એંજીનીયરીંગના કોર્સ માટે ગઈ ૨૪ નવેમ્બરે એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો. એ પ્રસંગે વર્લ્ડ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશનના બોર્ડ ઓફ ડાયરેક્ટર અને ઇન્સ્ટિટ્યુટ ઓફ ક્વાનટમ મિકેનીકસ એન્ડ સ્ટ્રેટેજીક સ્ટડીઝ કોલેજના ચેરમેન કાર્તિક ઉમાકાન્ત દેસાઈએ જણાવ્યું કે આ એગ્રીમેન્ટ થકી હવે ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષ દરમ્યાન બારડોલીની આ જ કોલેજમાં રહીને યુરોપીયન યુનિવર્સીટીના એક્રીડિટેડ પ્રોફેસરો દ્વારા ઓનલાઈન ટ્રેનિંગ મેળવશે. ત્યારબાદ બીજા વર્ષે યુરોપના લેટવીયા દેશની આ કોલેજ, કે જેમાં અનેક પ્રકારના હાઈટેક સિમ્યુલેટર્સ ઉપલબ્ધ છે, તેના ઉપર ટ્રેનિંગ લેશે. અને ત્રીજા વર્ષ દરમ્યાન આ વિદ્યાર્થીઓને ડાયરેક્ટ ૧૦૦થી ૩૫૦ યુરોના સ્ટાઇપેન્ડ સાથે ઓન-બોર્ડ શીપ ટ્રેનિંગ આપવામાં આવશે. ઓન-બોર્ડ શીપ દરમ્યાન વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની પણ મફત સુવિધા મળશે.

આમ આ પ્રકારના માળખા સાથે અને આ પ્રકારની કોલેજમાંથી ડિપ્લોમા પ્રાપ્ત કરનાર વિધ્યાર્થીઓને યુરોપીયન યુનિયન દ્વારા નક્કી કરવામાં આવેલા દૈનિક ભથ્થા અનુસાર ૨૨૦૦થી ૨૫૦૦ યુરો એટલે કે પ્રતિ માસ બે લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. આમ આ કેડર પર જો વિદ્યાર્થી દસ વર્ષનો અનુભવ મેળવે તો આ પગાર વધીને ૧૩ લાખ પ્રતિ માસ મળવાપાત્ર થાય છે. આ રીતે યુરોપીયન યુનિયન ભારતની સરખામણીમાં ઊંચો પગાર આપે છે.  વૈશ્વિક વ્યાપારના ગ્લોબલ ટ્રેંડને ધ્યાનમાં લેતા મેરીટાઇમ કાર્ગોની માંગ ભવિષ્યમાં વધતી જ રહેવાની છે. ભારત સરકાર દ્વારા ૬૦ અબજ ડોલરના બજેટ સાથે ‘સાગરમાલા’ નામનો પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેના થકી ભારતની દરિયાઈ માર્ગે કાર્ગોની વહન ક્ષમતા ૧૭૦૦ મીલીયન મેટ્રિક ટનથી વધીને વર્ષ ૨૦૩૦ સુધીમાં ૩૧૦૦ મીલીયન મેટ્રિક ટન સુધી પહોચશે.

સંસ્થાના પ્રમુખ બાબુભાઇ પટેલ તથા કોલેજના આચાર્ય ડો. લતેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે આ ડિપ્લોમા કોર્સ આ વર્ષથી જ ધોરણ ૧૨ સાયન્સ પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવશે અને જે વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં ડિગ્રી કોર્સ કરવાના હશે તે પણ ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે, મેરીટાઇમ ટ્રાન્સપોર્ટ – નેવીગેશન, મેરીટાઇમ ટ્રાન્સપોર્ટ – એંજીનીયરિંગ, મેરીટાઇમ ટ્રાન્સપોર્ટ – ઓટો ઇલેક્ટ્રીકલ્સ અને મેરીટાઇમ ટ્રાન્સપોર્ટ – પોર્ટ એન્ડ શીપિંગનો સમાવેશ છે. આ દરેક કોર્સની બેઠક ક્ષમતા ૪૦ વિદ્યાર્થીની રહેશે. સંસ્થા દ્વારા કરવામાં આવેલી આ પહેલથી ગુજરાત રાજ્યના અનેક વિદ્યાર્થીઓને આ દિશામાં પોતાનું ભાવિ ઘડવામાં મદદ મળી રહેશે.