અમદાવાદ- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિશ્વ વિખ્યાત ટેક્નોક્રેટ ડો. સામ પિત્રોડાના એક વાર્તાલાપનું આયોજન ટાગોર હોલ અમદાવાદ ખાતે કરવામાં આવ્યુ. 18 એપ્રિલ, ગુરુવારની સાંજે યુવાનો માટે ખાસ યોજવામાં આવેલા આ વાર્તાલાપમાં ભારત નિર્માણ વિષય પર સામ પિત્રોડા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યુ હતું.
ઓરિસ્સામાં ગુજરાતી પરિવારમાં જન્મેલા ગુજરાત અને યુ.એસ.માં અભ્યાસ કરી ચૂકેલા સામ પિત્રોડાએ ભારતમાં ટેલીકોમ ક્ષેત્રે ક્રાંતિ કરી હતી. સ્વ. રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા એ સમયગાળામાં સામ પિત્રોડા દ્વારા ભારતે ટેકનોલોજીમાં હરણફાળ ભરી હતી.
મોટીસંખ્યામાં યુવાનોની ઉપસ્થિતિમાં સામ પિત્રોડાએ પોતાના જીવન, અભ્યાસ, ગાંધી વાદી વિચારધારા, કોંગ્રેસ સાથે નો નાતો અને ભારત નિર્માણ વિષય પર ઉંડાણ પૂર્વક સંવાદ કર્યો હતો. કોંગ્રેસ આયોજીત આ કાર્યક્રમમાં સિધ્ધાર્થ પટેલ, હિમાંશુ વ્યાસ, મનિષ દોશી સહિત નેતા, કાર્યકરો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર-અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ