મોદીજીએ 15 લાખની જગ્યાએ નોટબંધી લાગુ કરી લાઈનમાં ઉભા કરી દીધાઃ રાહુલ ગાંધી

જુનાગઢઃ ચાર દિવસ પછી 23મી તારીખે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ત્યારે મતદાન પૂર્વેના છેલ્લા દિવસોમાં ભાજપ અને કોંગ્રેસ બંન્ને દ્વારા પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. સવારે વડાપ્રધાન મોદીએ અમરેલીમાં એક જાહેરસભા ગજવી હતી ત્યારબાદ આજે રાહુલ ગાંધીએ જુનાગઢના વંથલીમાં એક જાહેરસભાને સંબોધન કર્યું હતું.

રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન મોદી સરકારને આડે હાથ લેતા જણાવ્યું કે, ‘દેશના ઉદ્યોગપતિઓના નાણા માફ કરવા માટે સરકાર પાસે નાણા છે, પરંતુ ખેડૂતોનું દેવું માફ કરવાની વાત આવે છે ત્યારે સરકાર એમ કહે છે કે, અમારી પાસે પૈસા નથી. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનવાની સાથે જ 10 દિવસમાં અમે ખેડૂતોનું દેવું માફ કરી દીધું હતું.

કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ 2014ની ચૂંટણીમાં તમને સહુને વચન આપ્યું હતું કે, તેઓ જીતશે તો દરેક નાગરિકના ખાતામાં 15 લાખ આપવાનું વચન આપ્યું હતું. તેના બદલે તેમણે નોટબંધી લાગુ કરી અને આપણી માતા-બહેનોને લાઈનમાં ઊભા કરી દીધા. તમે આ લાઈનમાં કોઈ ઉદ્યોગપતિ, પૈસાદારને ઉભેલો જોયો છે. ભ્રષ્ટાચારના નામે લોકોને મુશ્કેલીમાં મુકી દેવાયા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું કે, “મેં અમારી થિન્ક ટેન્કને કહ્યું કે, મોદીએ લોકોને 15 લાખ આપવાનો વાયદો કર્યો હતો. આપણે ખરેખર કેટલા આપી શકીએ છીએ. અમારી થિન્ક ટેન્કે કેટલાક દિવસ પછી આવીને મારા હાથમાં એક આંકડો ‘72,000’નો આંકડો આપી દીધો. મેં પુછ્યું તો કહ્યું કે આ આંકડો આપણે દેશના 20 ટકા ગરીબોને વાર્ષિક આપી શકીએ છીએ. અમારી સરકાર બનશે તો અમે દેશના ગરીબોના ખાતામાં 72,000 આપીશું. તમારા ખાતમાં જેવા પૈસા આવશે તમે બજારમાં ખરીદી કરશો અને આ રીતે અર્થતંત્રને વેગ મળશે. દેશમાં નવા રોજગાર પેદા થવા લાગશે.”

નરેન્દ્ર મોદીએ તમને મિત્રો કહીને બોલાવે છે જ્યારે અનિલ અંબાણી, નિરવ મોદી, મેહુલ ચોક્સીને ભાઈ કહીને બોલાવે છે. ફ્રાન્સની સરકાર સાથે રાફેલ વિમાનનો સોદો કર્યો તેમાં વધુ કિંમત ચૂકવવામાં આવી છે. તેમના મિત્રોને ફાયદો કરાવવા માટે આ કિંમત ચૂકવાઈ છે. આ વિમાન ભારતમાં નહીં પરંતુ ફ્રાન્સમાં બનાવવામાં આવશે. તેઓ ખેડૂતોની વાતો કરે છે, પરંતુ ખેડૂતોનું દેવું માફ કરવાની વાત આવે છે ત્યારે મોઢું ફેરવી લે છે.

ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ચૂકવવામાં આનાકાની કરવામાં આવે છે. અમારી સરકાર આવશે તો ખેડૂતો સાથે સાચો ન્યાય કરશે. અમારી સરકાર બનશે એટલે અમે વર્ષની શરૂઆતમાં જ અમે તમને જણાવી દઈશું કે અમે કેટલી રકમ તમને ચૂકવીશું. અમારી સરકાર ખેડૂતો માટે એક અલગ બજેટ બનાવશે. વર્ષની શરૂઆતમાં જ દરેક જિલ્લાના ખેડૂતોને તેમણે કેવી ખેતી કરવી તેની જાણ કરી દેવાશે.

માછીમારોની વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, માછીમારો અમને મળ્યા કે અમારી મુશ્કેલી કોઈ સાંભળતું નથી. સમુદ્રમાં માછીમારી કરવા જઈએ ત્યારે પાકિસ્તાન આવીને ઉપાડી જાય છે. કોંગ્રેસે તેમને વચન આપ્યું કે, અમે તમારા માટે એક અલગ મંત્રાલય બનાવીશું, જે માછીમારોની દરેક પ્રકારની સમસ્યા સાંભળશે. તમારી દરેક મુશ્કેલીઓનો ઉકેલ લાવશે.

રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભ્રષ્ટાચાર અંગે કહ્યું કે, ‘તમારા રાજ્યના મુખ્યપ્રધાન પોતે જ સ્વીકારે છે કે, રાજ્યના કેટલાક ખાતાઓ ભ્રષ્ટ છે. હવે તમારા રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર છે. આ સરકારમાં આજે જે ખુદને ‘ચોકીદાર’ જણાવે છે, તે મુખ્યપ્રધાન હતા. એટલે કે, તમારા મુખ્યપ્રધાનની વાત પરથી એ સાબિત થાય છે કે ‘ચોકીદાર ચોર છે.

આજે વંથલી અને જુનાગઢમાં સભા કર્યા બાદ આવતીકાલે રાહુલ ગાંધી બારડોલીમાં સભાને સંબોધન કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]