ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ધરખમ વધારો નોંધાયો

અમદાવાદ: દેશ સહિત રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ શહેરમાં પણ ઈલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડમાં પણ વધારો નોંધાય રહ્યો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની ખરીદીમાં ત્રણ વર્ષમાં 927 ટકાનો ઉછાળો નોંધાયો છે. આરટીઓના સુત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર, 2021માં 1 હજાર ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર વેચાયા હતા, જે 2022માં વધી 7,127 સુધી પહોંચી હતી અને 2023માં 10,271 વાહનનું વેચાણ નોંધાયું હતું. આ ઉપરાંત લાઈટ વેટ વ્હિકલ્સ અને થ્રી-વ્હીલર્સની ખરીદીમાં 2021થી 2023 દરમિયાન વધારો થયો છે. જ્યારે બીજી બાજું 2 હજારથી વધુ ઈલેક્ટ્રિક કારનું પણ વેચાણ થયું છે.

ઈલેક્ટ્રિક વ્હિકલને પ્રોત્સાહન આપવા માટે મ્યુનિ.એ 81 સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. ઈલેક્ટ્રિક વાહનની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, ચાર્જિંગ સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યા છે. હાલમાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ પર 12 ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત છે. જેમાં સિંધુભવન રોડ, પ્રહલાદનગર ગાર્ડન, ઈન્કમટેક્સ બ્રિજ, નારોલ ફ્લાયઓવર, સીટીએમ બ્રિજ નીચે, કાંકરિયા, ન્યુ એસજી રોડ, બાપુનગર બ્રિજ, અને ગોવિંદવાડી સર્કલ જેવા સ્થળોનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશને 27 નવી જગ્યાએ ચાર્જિંગ સ્ટેશનો શરૂ કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. 81 જગ્યાઓ પર ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આના સાથે અમદાવાદ શહેરનું ઇલેક્ટ્રિક વ્હિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આગામી વર્ષોમાં વધુ મજબૂત બનશે.