અમદાવાદઃ શહેરના મધ્યભાગમાંથી પસાર થતી સાબરમતી નદી સુકાઈ રહી છે. વહેણ વગરની બંધિયાર નદીના સુકા ભાગોમાં ગંદકી જમા થઇ રહી છે. નવા પાણીની આવકના અભાવે દુર્ગંધ મારે છે.
અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદી થોડા વર્ષો પહેલા લગભગ આખું વર્ષ સૂકી ભઠ રહેતી હતી, પરંતુ એમાં નર્મદાનું પાણી ભરીને એને પુનર્જિવિત કરવામાં આવી હતી. એ સાથે જ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પૂર્વ અને પશ્ચિમ બંને કાંઠે રિવરફ્રન્ટ તૈયાર કરાયો હતો. રિવરફ્રન્ટ પર ફ્લાવર પાર્ક, સી-પ્લેન, બોટિંગ, ગાર્ડન, ઇવેન્ટ સેન્ટર જેવા આધુનિક સગવડ સાથેના આકર્ષણો તૈયાર કરવામાં આવ્યા હતા. સરકારી અને ખાનગી ક્ષેત્રના મોટા કાર્યક્રમો યોજી રિવરફ્રન્ટોને લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. પરંતુ હવે, સાબરમતી નદી, જે નર્મદા નદીના પાણીના આધારે જીવંત હતી, તેમાં સી-પ્લેન જેવા અનેક પ્રોજેક્ટ પર કાગડા ઉડે છે. પાણી પર લીલ વેલ જામી રહી છે અને સુકાઇ રહેલા બંધિયાર પટ પર દુર્ગંધ મારે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)