જાણીતા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું નિધન

અમદાવાદઃ જાણીતા આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું 95 વર્ષની વયે નિધન થયું છે. તેઓ અંતિમ શ્વાસ સુધી પોતાના કામમાં સક્રિય હતા. આર્કિટેક્ટના વિશ્વમાં બીવી દોશી અત્યંત જાણીતું નામ છે.  તેમણે ગાંધીનગર તેમ જ ચંડીગઢમાં ડિઝાઇન તૈયાર કરી હતી, જે એક અલગ ઓળખ ધરાવે છે. તેમણે અમદાવાદની ગુફા સહિતનાં અનેક નામી સ્થાપત્યોની ડિઝાઇન તૈયાર કરી હતી. દોશીની વિદાયથી આર્કિટેક્ટ વિશ્વને મોટી ખોટ પડી છે. આજે થલતેજ સ્મશાનગૃહમાં બપોરે તેમની અંતિમવિધિ કરવામાં આવશે.

અમદાવાદની જાણીતી સ્કૂલ ઓફ આર્કિટેક્ટને હાલના સ્તર પર લઈ જવામાં પણ દોશીનો બહુમૂલ્ય ફાળો રહ્યો હતો. તેઓ ઘણાં વર્ષોથી આ સંસ્થા સાથે જોડાયેલા રહ્યા હતા. આ ઉપરાંત બાલકૃષ્ણ દોશીએ ઉદયપુર તેમજ IIM બેંગલોરની ડિઝાઇન પણ તૈયાર કરી હતી. સ્થાપત્ય ક્ષેત્રમાં તેમના સર્વોચ્ચ પ્રદાન બદલ તેમને પદ્મશ્રી તેમજ પદ્મભૂષણ જેવા સન્માનથી નવાજવામાં આવ્યા હતા. આ સિવાય પણ તેમને આર્કિટેક ક્ષેત્રના અનેક બહુમાન મળી ચૂક્યા છે. ગયા વર્ષે અમદાવાદમાં તેમના સન્માનમાં એક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.

https://twitter.com/kumarmanish9/status/1617778600509595649

બાલકૃષ્ણ દોશીનો જન્મ પુણેમાં થયો હતો. તેમણે મુંબઈની વિખ્યાત સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં અભ્યાસ કર્યો હતો. તેમને લુઇસ કાન જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના આર્કિટેક્ટ સાથે કામ કરવાની તક મળી હતી. તેઓ એક સારા આર્કિટેક્ટ હોવાની સાથે-સાથે એક સારા શિક્ષણવિદ પણ હતા. અમદાવાદસ્થિત CEPTના તેઓ પ્રથમ ડીન હતા. આ ઉપરાંત કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સના પણ તેઓ ડિરેક્ટર હતા.

તેમને નવી પેઢી સાથે સંવાદ કરવું પણ ખૂબ જ પસંદ હતું. યોગ અને મેડિટેશનમાં પણ તેમનો ખાસ રસ રહ્યો હતો. તેમણે એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં પણ ખાસ્સું કામ કર્યું હતું. અમદાવાદ ઉપરાંત દેશના અન્ય શહેરોમાં પણ અનેક હાઉસિંગ પ્રોજેક્ટ્સ સાથે તેઓ સંકળાયેલા હતા. તેમના હાથ નીચે અનેક સ્ટૂડન્ટ્સ પણ તૈયાર થયા છે જેઓ આજે દેશ-વિદેશમાં નામના ધરાવે છે.

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)