ગાયના છાણમાંથી બનેલા ઘરમાં પરમાણુ વિકિરણથી પ્રભાવિત નથી થતાઃ કોર્ટ

તાપીઃ તાપી જિલ્લાના વ્યારાની એક સેશન કોર્ટના જજે ગાયોની સુરક્ષા માટે ભાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે વિજ્ઞાને સાબિત કર્યું હતું કે ગાયના છાણમાંથી બનેલાં ઘરો પર હાનિકારક પરમાણુ વિકિરણો (ન્યુક્લિયર રેડિયેશન)ની અસર નથી થતી. આ ઉપરાંત ગાયના મૂત્રથી અસાધ્ય રોગ પણ ઠીક થઈ શકે છે. જસ્ટિસ સમીર વ્યાસે ગયા વર્ષ નવેમ્બરમાં 22 વર્ષના શખસને ઉમરકેદની સજા સંભળાવી હતી તેમનણે એ યુવકને વિવિધ કાયદાઓના ઉલ્લંઘન કરતાં ગુજરાતથી મહારાષ્ટ્રમાં ગાયો અને બળદોને  વધ માટે લઈ જવા માટે આ સજા સંભળાવી હતી.

તેમણે ગાયોના વધ માટે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ગાય અમારી માતા છે, નહીં કે માત્ર પ્રાણી. તેમણે આદેશમાં વધુમાં જણાવ્યું હતું કે પૃથ્વીની બધી સમસ્યાઓ ઉકલી જાય જો ધરતી પર ગાયના લોહીનું એક ટીપું પણ ના પડે તો. આપણે ગૌ રક્ષાની વાત કરીએ છીએ, પણ એને સખતાઈથી લાગુ નથી કરતા અને ગેરકાયદે રીતે ગૌહત્યા નિયમિત રૂપે થઈ રહી છે. એ એક સભ્ય સમાજ માટે કલંક છે.

આ સિવાય તેમણે આદેશમાં જણાવ્યું હતું કે આજે ગાયો જોખમમાં છે, કેમ કે આજે મશીનકૃત કતલખાનાંમાં ગૌવંશ કતલ કરવામાં આવી રહ્યો છે અને માંસાહારી લોકોને માંસની સાથે ગૌમાંસ પીરસવામાં આવી રહ્યું છે.

લોકોને ગાયોનું મહત્ત્વ સમજાવતાં તેમણે કેટલાક સંસ્કૃત શ્લોકોનો હવાલો આપતાં કહ્યું હતું કે ધર્મ ગાયથી પેદા થાય છે, કેમ કે ધર્મ એક વૃષભના રૂપમાં છે, જે એક ગાયનો પુત્ર છે.

શું છે મામલો

તાપી પોલીસે મહારાષ્ટ્રના માલેગાંવ શહેરનિવાસી મોહમ્મદ અમીન અંજુમને એક ટ્રકમાં 16 ગાયો અને બછળોને મહારાષ્ટ્રમાં લઈ જવાના પ્રયાસ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે ટ્રક અટકાવી તો એક ગાય અને એક બળદ પહેલેથી મરી ગયા હતા, કેમ કે વાહનોમાં ગાય અને બળદોને ઠાંસી-ઠાસીને ભરવામાં આવ્યાં હતાં. અંજુમને આ કૃત્યના બદલામાં આજીવન જેલ અને રૂ. પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.