કોંગ્રેસના ઉમેદવારો ચંદ્રિકા ચૂડાસમા અને ગૌરવ પંડ્યાની ધનસંપત્તિઓ જાહેર…

અમદાવાદ- ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો પરના ચૂંટણી પંચના નિર્ણય સામે કોંગ્રેસની અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ ઇન્કાર કરી દીધો છે ત્યારે કોંગ્રેસે હવે આ ઔપચારિક ચૂંટણી માટે મૂરતિયા નક્કી કરી લીધાં છે. કોંગ્રેસના માંગરોળ (જૂનાગઢ)ના પૂર્વ ધારાસભ્ય અને પ્રધાન ચંદ્રિકાબહેન ચૂડાસમા તેમ જ પ્રદેશ કો-ઓર્ડિનેટર કમિટીના સભ્ય ગૌરવ પંડ્યાએ ફોર્મ પણ ભર્યાં છે.જેમાં તેમની ચલઅચલ સંપત્તિની વિગતો બહાર આવી છે.

કોણ છે ચંદ્રિકાબહેન ચૂડાસમા અને ગૌરવ પંડ્યા ?

ચંદ્રિકાબહેન કાનજીભાઇ ચુડાસમાની પ્રોફાઇલ: રાજયસભાના ઉમેદવાર ડો ચંદ્રિકાબહેન ચૂડાસમાએ જૂનાગઢના માંગરોળ ખાતેથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. પ્રથમ કોંગ્રેસ પક્ષમાંથી માંગરોળમાંથી જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણી જીતીને રાજકારણની શરૂઆત કરી હતી. ત્યારબાદ પોતે જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન તરીકેની પ્રથમ વખત જવાબદારી સંભાળી હતી.

ઉમેદવારી વખતે ચંદ્રિકાબહેનના હાથ પર કુલ 20,000 રૂપિયાની રોકડ અને તેમના પતિના હાથ પર 42,000 રૂપિયા રોકડ રકમ હતી. ગાંધીનગરની એસબીઆઇ બેંકમાં 17,336 રૂપિયા, માંગરોળની એસબીઆઇમાં 15,382 રૂપિયા બેંક ઓફ બરોડામાં માંગરોળ શાખામાં 16,516 રૂપિયા દેના બેંક માંગરોળ શાખામાં 6000 રોકડ દર્શાવવામાં આવી છે.

આ ઉપરાંત એક સ્વિફ્ટ ડિઝાયર કાર વર્ષ 2014માં ખરીદેલ કિંમત રૂપિયા 5,50,000, 150 ગ્રામ સોનાના ઘરેણા બજાર કિંમત- 5,10,000, એક કિલો સોનું બજાર કિંમત 39,000, શીલ ગામે ભાગીદારીમાં 40,00,000 રૂપિયાની જમીન, ગાંધીનગરમાં સેક્ટર-1માં 3504 ચોરસ ફુટનો એક પ્લોટ જેની બજાર કિંમત 90,00,000 આમ એફિડેવિટમાં જણાવ્યા પ્રમાણે ચંદ્રિકાબહેન ચૂડાસમા પાસે કુલ 1.30 કરોડની માલમિલકત તથા તેમના પતિ ડો. કાનજીભાઇ ચૂડાસમા પાસે કુલ 1.05 કરોડની સંપત્તિ એફિડેવિટમાં જાહેર કરી છે.

 

ગૌરવ હેમંત પંડ્યા વલસાડ વિઘાનસભામાં મતદાર તરીકે નોધાયેલ છે

મૂળ રાજકોટમાં અને 1983માં રાજકોટથી વલસાડ આવીને વસેલા ગૌરવભાઇએ તેમના કોલેજકાળથી જ એટલે કે 1977 થી જ એન.એસ.યુ.આઈ નું સભ્ય પદ મેળવીને કોલેજકાળથી જ રાજનીતિમાં જંપલાવ્યું હતું. જોકે વલસાડમાં આવ્યા બાદ તેઓ તે સમયના કોંગ્રેસના ઉમેદવાર ઉત્તમભાઇ હરજીભાઈ પટેલ સાથે ચૂંટણીમાં પ્રચારપ્રસાર અર્થે જોડાયાં હતાં.1986માં વલસાડ જિલ્લાના યૂથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે તેમની નિમણૂક થઈ હતી, તે સમયે વલસાડના નનકવાડા વિસ્તારમાં તેઓ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં.

નાણાકીય વર્ષ 2017-18માં રૂપિયા 8,81,906 રૂપિયાની આવક દર્શાવી છે. વલસાડના પરાડી પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ એક એફઆઇઆર નોંધાઇ છે.  આઇપીસી ધારા સેક્સન 186,188 અને 144 મુજબ પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં આ કેસ પેન્ડિંગ છે.

ગૌરવ પંડયાએ એફિડેવિટમાં જણાવ્યા અનુસાર હાથ પર રોકડ-70 હજાર પત્નીના હાથ પર રોકડ 50 હજાર, બેંક ઓફ બરોડાની વલસાડ બ્રાન્ચમાં 6839.60 બેલેન્સ, પત્નીના ખાતામાં 31.25 લાખ રૂપિયા, એચડીએફસી તીથલ રોડ બ્રાન્ચમાં 62,506 પત્નીના નામે એફડી, 30,000 રૂપિયા આઇસીઆઇસીઆઇ વલસાડ બ્રાન્ચમાં સેવિંગ એકાઉન્ટમાં કુલ 23,99,227.47 બેલેન્સ, આઇસીઆઇસીઆઇ વલસાડ બ્રાન્ચમાં ચાલુ ખાતામાં 1,19,459.54 બેલેન્સ,પંજાબ નેશનલ બેંક વાપીમાં રૂપિયા 4091 બેલેન્સ, એસબીપીપી બેંકમાં 2738.10 બેલેન્સ, એચડીએફસી બેંકમાં રૂપિયા 2,47,119.25ની ફિક્સ ડિપોઝીટ, આઇડીબીઆઇ બેંકના 240 શેર, જેની કિંમત રૂપિયા 8256, રીલાયન્સ ઇન્ડ. લિં.ના 7 શેર જેની કિંમત રૂપિયા 8836.8, યુનિયન બેંકના 150 શેર જેની કિંમત રૂપિયા 11,295, ઉપરાંત અન્ય 10 કંપનીઓના શેરધારક છે.

જ્યારે પોતાની પાસે 50 ગ્રામ સોનું, પત્ની પાસે 502.30 ગ્રામ સોનું જેની કુલ કિંમત 18,36,200 છે. વલસાડના તીથલમાં પોતાના નામે એક મકાન, પત્નીના નામે મુંબઇના અંધેરી વિસ્તારમાં એક ફ્લેટ, તિથલમાં બે બંગલા છે. જેની કુલ કિંમત વર્તમાન સમયમાં 15.60 કરોડની આસપાસ છે.