રાજકોટ: કોરોનાની મહામારીને વધુ ફેલાતા રોકવા માટે વિદેશ અને બીજા રાજયમાંથી આવેલા લોકોને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. હવે ધીમે ધીમે આ કોરોનાનો પગપેસારો ગામડાઓ તરફ થઇ રહયો છે. અત્યાર સુધી મહાનગરોનમાં જ કોરોનાના દર્દી વધુ જોવા મળતા હતા. પરતું હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કેસ થતા લાગ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હોમ કવોરન્ટાઇન લોકો જાહેરનામાનો ભંગ ન કરે તે માટે જિલ્લા વિકાસ અધિકારીએ એક મહત્વનો નિર્ણય લીધો છે.
અન્ય રાજ્યોમાંથી આવેલા 1200 લોકોને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ લોકો જાહેરનામાનો ભંગ કરી પોતાના વાહન લઇને બહાર ફરી રહ્યા છે. આથી આ લોકો બહાર ન નીકળે તે માટે રાજકોટ જિલ્લાની દરેક ગ્રામ પંચાયતમાં તેના વાહનની ચાવી જમા કરવાની રહેશે. તેમજ આ લોકોને ડાયરી અને બોલપેન આપવામાં આવશે. ડાયરીમાં હોમ કવોરન્ટાઇન વ્યક્તિએ 14 દિવસ સુધી પોતાની દિનચર્યા લખવાની રહેશે.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા ચિત્રલેખા.કોમ ને કહે છે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને લઇને તમામ પ્રકારની સ્વાસ્થ્ય સંબધિત કામગીરી થઇ રહી છે. અત્યારે રાજકોટ જીલ્લા માટે 12 એક્સક્લુઝિવ એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે. જે દર્દીના સેમ્પલ લેવામાં આવે અને જો હોસ્પિટલ ખસેડવામાં આવે તો તેમને આ 12 પૈકી કોઇ એક એમ્બ્યુલન્સમાં જ લઇ જવામાં આવશે. રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારમાં જે હોમ ક્વોરન્ટીનમાં રહેલા લોકો છે તેમાંથી અમુકે હોમ કવોરન્ટાઇનનો ભંગ કર્યો હતો. તેના વિરૂદ્ધ પોલીસ તંત્ર દ્વારા ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
આ પ્રકારના કિસ્સાઓ ભવિષ્યમાં ન બને તેને ધ્યાને રાખીને હોમ કવોરન્ટાઇનમાં રહેલા વ્યક્તિઓના વાહનની ચાવીઓ ગ્રામ પંચાયતમાં જમા કરવાની એક સૂચના પરિપત્ર મારફત આપી છે. આનો આશય એ છે કે કોઇ વ્યક્તિ હોમ કવોરન્ટાઇનનો ભંગ ન કરે અને લોકો ઘરમાં જ રહે. આવા લોકોને જીવન જરૂરી વસ્તુઓ જોતી હશે એ સરપંચ અને તલાટી મંત્રી હોમ ડિલિવરી કરી આપશે.
(જિતેન્દ્ર રાદડિયા- રાજકોટ)