CBRTનો વિરોધ, 300 ઉમેદવારોની પોલીસે કરી અટકાયત

ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી સ્પાર્ધાત્મક પરીક્ષાને લઈ વિરોધ ચાલી રહ્યો છે. જેમાં કોઈ NEET હોય તો કોઈ વખત TET, TAT અલગ-અલગ શિક્ષણના મુદ્દાને લઈ સરકાર પર ઘેરાવો થતો હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં CBRT પદ્ધતિ નાબૂદ કરી ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ માર્ક્સ પ્રસિદ્ધ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ગઈકાલથી ગાંધીનગરમાં આંદોલન કરનાર ઉમેદવારોને આજે સવારથી પોલીસે ડિટેઇન કર્યા છે.

CBRT પદ્ધતિ અને નોર્મલાઇઝેશન કર્યા બાદ PDF જાહેર કરવાની માંગ સાથે ઉમેદવારોએ ગઈકાલથી ગાંધીનગર રામકથા મેદાનમાં આંદોલન શરૂ કર્યું હતું. રામકથા મેદાનમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. ઉમેદવારો આંદોલન ચાલુ રાખવાના મૂડમાં હોય, રાજ્યભરમાંથી ફોરેસ્ટના ઉમેદવારોને ગાંધીનગર પહોંચવાના સંદેશ પસાર કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા મેદાન પર હાજર ઉમેદવારોને ડિટેઇન કરી લીધા હતા. અત્યાર સુધીમાં અલગ અલગ જગ્યાએથી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સહિત અંદાજિત 300 જેટલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી છે. પોલીસ દ્વારા આજે જેટલા પણ ઉમેદવારોને ડિટેઈન કર્યા છે તેઓને કરાઈ ખાતે લઈ જવામાં આવ્યાં છે. બીજી તરફ બહાર રહેલા ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં વનવિભાગની ભરતીની 2022માં જાહેરાત બાદ 8થી 27 ફેબ્રુઆરી 2024માં પરીક્ષા લેવાઇ હતી. જેમાં 823 પદ માટે 8 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્રણ દિવસ અગાઉ CBRT અને નોર્મલાઈઝેશન મેથડના કારણે ઉમેદવારોને અન્યાય થયાની રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ ગઈકાલે ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો ગાંધીનગરના રામકથા મેદાને ભેગા થયા હતા. જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પહોંચ્યા હતા. ઉમેદવારો દ્વારા નોર્મલાઈઝેશન સાથે માર્ક્સ જાહેર કરવા અને તમામ ઉમેદવારોના રિઝલ્ટ PDF પ્રમાણે જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે અને ઉમેદવારોએ ગૌણ સેવા પસંદગી મંડળમાં રજૂઆત કરી હતી. સરકાર તરફથી 9મીએ યાદી જાહેર કરવાની હૈયાધારણા આપવામાં આવી છે. જોકે, ઉપરોક્ત પરીક્ષામાં મેરિટમાં આવનાર પરીક્ષાર્થીઓની યાદી હાલમાં જ જાહેર કરવાની માંગ સાથે ઉમેદવારોએ ધરણાં ચાલુ રાખ્યાં હતાં.