અમદાવાદઃ તહેવાર-ઉત્સવ-વ્રત-આરાધનાની આ મોસમમાં શ્રાવણ બાદ ગણેશજીનો ઉત્સવ આવી ગયો છે. વિઘ્નહર્તા ગણેશજીને સૌ બારેમાસ યાદ કરી પૂજા અર્ચના કરે છે. પરંતુ ગણેશ ચતુર્થીથી શરુ થતા ઉત્સવમાં સહુ કોઇ વિનાયકની ભક્તિમાં લીન થઇ જાય છે. ઘરમાં મંદિરોમાં થતી ગણેશજીની ભક્તિ હવે દેશ-વિદેશમાં શેરી-મહોલ્લા-સોસાયટીના પરિસરમાં ઉજવાઇ રહી છે.
ભારતમાં પણ મહારાષ્ટ્ર જેવા પ્રાંતમાં જાહેર સ્થળોએ થતી ઉજવણીની જેમ જ હવે બીજા રાજ્ય-શહેર-ગામોમાં લોકો સાથે મળીને ગણેશોત્સવ ઉજવી રહ્યા છે. ગણેશજીના સ્થાપનથી લઈને સમગ્ર પર્વ લોકો હર્ષોલ્લાસથી ઉજવે છે.
ગણેશજીનું પર્વ સાર્વજનિક થતાંજ મૂર્તિ બનાવતા કારીગરો નાના મોટા ગામ-શહેરોમાં જોવા મળે છે. ખુલ્લા સરકારી પ્લોટ્સ, માર્ગો તેમજ મંડપ લગાવીને મુર્તિ બનાવતા વેચતા લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. અંદાજે રુપિયા અઢીસો-ત્રણસો થી માંડી વીસ-પચ્ચીસ-ચાલીસ હજાર જેટલી કિંમતની ગણેશજીની વિવિધ સ્વરુપ વાળી મુર્તિઓ માટી અને પ્લાસ્ટર ઓફ પેરિસમાં મળી રહી છે.
અમદાવાદનો ગુલબાઇ ટેકરો તમામ ઉત્સવોની ઉજવણીમાં મૂર્તિ બનાવવા અને વેચવામાં અગ્રેસર છે. હવે જુદા જુદા વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં મુર્તિઓ બનાવતા અને વેચતા લોકો જોવા મળે છે. ગણપતિની મૂર્તિ બનાવવાનું અને વેચાણનું કામ ગણેશ ચતુર્થી પૂર્વે પૂરજોશમાં ચાલી રહ્યું છે. શહેરના કેટલાક વિસ્તારોના માર્ગો પર અત્ર-તત્ર-સર્વત્ર ગણેશજીના જ દર્શન થાય છે.
(તસવીરઃ અહેવાલ—પ્રજ્ઞેશ વ્યાસ)