અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. નરોડામાં આવેલા અવની સ્કાયમાં રહેતાં કૃણાલ ત્રિવેદી તેમના પત્ની અને દીકરીએ સામુહિક આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરવાનું કારણ પારિવારિક અથવા તો આર્થિક સંકડામણ હોવાનું પોલીસ માની રહી છે.

પરિવારજનો છેલ્લા ચોવીસ કલાકથી કુણાલભાઈના પરિવારનો સંપર્ક કરતા હતા, સંબધીઓના કોઈ ફોન રીસીવ ન કરતા અંતે તેઓ ઘરે આવ્યા હતા. કૃણાલભાઈના સંબંધીઓ જ્યારે કૃણાલભાઈના ઘરે આવ્યા ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ઘરમાં તપાસ કરતા કૃણાલ ત્રિવેદી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે તેમના પત્ની અને પુત્રી મૃત હાલતમાં નીચે પડેલા જોવા મળ્યા હતા. અને તેઓની માતા બેભાન અવસ્થામાં પડ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં જ નરોડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી.
પોલીસનું માનવું છે કે પત્ની પુત્રી અને માતાને ઝેર આપ્યા બાદ પોતે આત્મહત્યા કરી હોઈ શકે છે. હાલમાં પોલીસે બેભાન માતાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અને સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી હતી.
પોલિસને ઘરની તલાશી લેતાં એક સ્યૂસાઈડ નોટ મળી આવતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થવા પામ્યો હતો. જેમાં કાળી શક્તિને વશ થઈને આ ઘટના બની હોવાનું જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે બુરાડીકાંડની ઘટના જેવી આ ઘટના સામે આવતાં સો કોઈ ચોંકી ઉઠ્યાં છે.
