દિવાળી પછી ગુજરાતમાં ફટાકડાથી પ્રદૂષણમાં ઉછાળો

ગુજરાતમાં દિવાળી નિમિત્તે ભવ્ય ઉજવણી જોવા મળી હતી. લોકો ભારે ઉત્સાહ અને આનંદ સાથે ફટાકડા ફોડવાનો આનંદ માળ્યો હતો. ત્યારે આગામી બે દિવસ સુધી ગુજરાતમાં ઉજવણીનો માહોલ જોવા મળશે. આજે (પહેલી નવેમ્બર) બપોર સુધી દિવાળીની ઉજવણીનો ઉત્સાહભર્યો માહોલ અમદાવાદમાં ઠેર ઠેર જોવા મળ્યો. લોકોએ લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજનનું આજે પણ આયોજન કર્યું હતું. જ્યાર બાદ લોકોએ મોટીમાત્રામાં ફટાકડા ફોડ્યા. મોટી સંખ્યામાં ફટાકડા ફૂટવાના કારણે રાજ્યના મોટાભાગના શહેરોની હવામાં પ્રદૂષણ પણ વધ્યું.

સૂત્રો પ્રમાણે દિવાળીના અવસર પર અમદાવાદ શહેરમાં મોડી રાત સુધી ફટાકડા ફૂડ્યા હતા. જેના કારણે અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 171 નોંધાયો. સૌથી વધુ પ્રદુષિત મણીનગરમાં 199 એક્યૂઆઈ નોંધાયો છે. રાયખડમાં 193 એક્યૂઆઈ નોંધાયો છે. આ ઉપરાંત ચાંદખેડા અને બોપલમાં 185 એક્યૂઆઈ નોંધાયો છે. જ્યારે ગાંધીનગરના ગીફ્ટ સિફ્ટમાં 197 એક્યૂઆઈ નોંધાયો છે. દિવાળીના તહેવાર નિમિત્તે અમદાવાદ માત્ર નહીં મોટા ભાગના મહાનગરોમાં પ્રદૂષણના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં સુરત શહેરમાં એક્યૂઆઈ 169 હતો જે દિવાળીની ઉજવણી બાદ 239 એક્યૂઆઈ થયો છે. રાજકોટ શહેરમાં 96 એક્યૂઆઈ નોંધાયો છે. વડોદરા શહેરમાં દિવાળીને દિવસે 124 એક્યૂઆઈ હતો જે પહેલી નવેમ્બરે 134 એક્યૂઆઈ નોંધાયો છે. જ્યારે ભાવનગર શહેરમાં 105 એક્યૂઆઈ નોંધાય છે.  ઉલ્લેખનીય છે કે, શ્વાસને લગતી બીમારીથી પીડિત લોકો માટે અત્યારે ગુજરાતમાં હવા ઝેરી બની છે. વાયુ પ્રદૂષણ તમામ ઉંમરના લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો કરી શકે છે. શ્વાસ સંબંધી સમસ્યાઓ ઉપરાંત તે શરીરના તમામ અંગો માટે પણ હાનિકારક છે. પ્રદૂષિત વાતાવરણની સૌથી વધુ અસર બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર જોવા મળે છે.